ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે પોલીસ નોંધણી વિના પરપ્રાંતિય ઇસમને મકાન ભાડે આપનાર મકાનમાલિક (સંચાલક) વિરૂધ્ધ ઝઘડિયા જીઆઇડીસી પોલીસે જાહેરનામા ભંગ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ પી.કે.રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે તલોદરા ગામે બસ સ્ટેન્ડ સામે આવેલ એક મકાનના સંચાલક ભાડુઆતને ભાડે આપીને તેની જરૂરી નોંધણી સ્થાનિક પોલીસમાં નોંધાયેલી નથી.

અજયભાઇ ઠાકોરભાઇ પટેલ રહે.તળાવ ફળિયું તલોદરા તા.ઝઘડિયા જિ.ભરૂચનાએ તેનું મકાન મુળ રાજસ્થાનના રહીશ પરપ્રાંતિય ભાડુઆતને ભાડે આપીને તેની જરૂરી નોંધણી સ્થાનિક પોલીસમાં કરાવેલ નથી. પોલીસે સદર મકાનના સંચાલક અજય પટેલનો સંપર્ક કરતા તેમણે મકાન ભાડુઆત સંબંધિત નિયત ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે કોઇ પોલીસ નોંધણી કરાવેલ નથી એમ જણાવ્યું હતું. આ બાબતે સદર મકાન સંચાલકે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું બહાર આવતા પોલીસે તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાની વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં રાજ્ય બહારના ઘણા કામદારો કામ કરતા હોય છે,આવા પરપ્રાંતિય ઇસમો પૈકી કેટલાક ગુનાહિત મનોવૃતિ ધરાવતા ઇસમો ઘણીવાર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મકાન દુકાનો ભાડે લઇને રહેતા હોય છે,અને જેતે વિસ્તારનું સર્વે કરીને તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિને અંજામ આપતા હોવાની સંભાવના રહેલી હોય છે,તેથી મકાન દુકાનના માલિકોએ મકાન દુકાન ભાડે આપતા સમયે તેની જરૂરી નોંધણી સ્થાનિક પોલીસમાં કરાવવાની હોય છે,આમ નહી કરાવનાર મકાન માલિકો વિરૂધ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુના દાખલ કરવામાં આવે છે.