દક્ષિણ ગુજરાત: દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે ભારે વરસાદ નોંધાયો છે. શનિવારે મધરાતથી વાંસદા અને ચીખલી તાલુકામાં મેઘતાંડવ જોવા મળ્યું હતું, જેના કારણે વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને અસરગ્રસ્ત વિસ્તારો માટે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.
ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે વાંસદા અને ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 1000થી વધુ લોકોના ઘરોને અસર થઈ છે. કુલ 168 ઘરોની છત ઉડી ગઈ હતી, જેના કારણે અનેક પરિવારો ઘરવિહોણા બન્યા છે. નવસારી શહેરમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ રહેતા જનજીવન પ્રભાવિત બન્યું હતું.સાંસદ ધવલ પટેલે પોતાના પત્રમાં જણાવ્યું હતું કે, વાંસદા તાલુકાના સિણધઈ ગામમાં ઘણા પરિવારો ઘરવિહોણા થયા છે, ઝાડ ધરાશાયી થયા છે અને ખેતીમાં ડાંગર તથા બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે. ચીખલી તાલુકાના અનેક ગામોમાં પણ વ્યાપક નુકસાન નોંધાયું છે.આ ઉપરાંત, કપરાડા અને ધરમપુર તાલુકામાં ભારે વરસાદને કારણે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના પરિણામે ખેડૂતોને ખેતરમાં ભારે નુકસાન થયું છે અને પશુપાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અંતરિયાળ વિસ્તારોની અવરજવર પર પણ ગંભીર અસર થઈ છે.સાંસદ પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું કે, હાલ વહીવટી તંત્ર દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને પ્રજાજનોના જીવનને સામાન્ય બનાવવાના પ્રયાસો ચાલુ છે. જોકે, વર્તમાન પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તેમણે વલસાડ લોકસભા મત વિસ્તારમાં અતિભારે વરસાદ અને વાવાઝોડાથી થયેલા નુકસાનને પગલે તાત્કાલિક યોગ્ય રાહત પેકેજ જાહેર કરવા વિનંતી કરી છે.આ રાહત પેકેજ દ્વારા અસરગ્રસ્ત પરિવારોને સમયસર સહાય મળી શકે અને તેઓ ફરીથી સામાન્ય જીવન જીવી શકે તે માટે સાંસદે ભારપૂર્વક રજૂઆત કરી છે.

