વલસાડ: વલસાડ તાલુકાના ગુંદલાવના આશા તળાવ ફળિયામાં દીપડાની હાજરીથી વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. કન્સ્ટ્રક્શન સાઈટ પાસે શિકારની શોધમાં આવેલા દીપડાને સાઈટ પર કામ કરતા શ્રમિકોએ જોયો હતો. શ્રમિકોએ પોતાના મોબાઈલમાં દીપડાની હાજરી અને તેની ગતિવિધિને કેદ કરી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ સ્થાનિક લોકો અને અગ્રણીઓએ આ ઘટનાની જાણ વન વિભાગને કરી હતી. વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તળાવ ફળિયા પાસે દીપડાની હાજરીના પુરાવાઓની ચકાસણી કરવામાં આવી હતી.

વન વિભાગે દીપડાની અવરજવર વાળા રૂટ પર પાંજરું ગોઠવી દીધું છે. દીપડાને પકડવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વન વિભાગની ટીમે વિસ્તારના પશુપાલકો અને કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા શ્રમિકોને સાવચેતી રાખવા અને સલામતીના પગલાં અંગે માર્ગદર્શન આપ્યું છે.