નવસારી: નવસારી રેલવે સ્ટેશન પર આજે સવારે મુસાફરોએ ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. વહેલી સવારે 4 વાગ્યે વરસાદ દરમિયાન પ્લેટફોર્મની છતમાંથી પાણી ટપકવાનું શરૂ થયું હતું. આ કારણે ટ્રેનની રાહ જોતા પાસ હોલ્ડર્સ અને અન્ય મુસાફરોને ભારે અગવડ થઈ હતી.
આ સમસ્યા નવી નથી.ગત વર્ષે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે વિડીયો વાયરલ થયા બાદ રેલવે તંત્રએ પ્લેટફોર્મના છતની સફાઈ કરી હતી. પરંતુ આ વર્ષે ચોમાસા પહેલાં છાપરાની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી નથી.નોંધપાત્ર બાબત એ છે કે નવસારી રેલવે સ્ટેશનને દેશના 1309 અમૃત ભારત રેલવે સ્ટેશનની વિકાસ યોજનામાં સામેલ કરવામાં આવ્યું છે.
આમ છતાં, સ્ટેશન પર મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. પ્લેટફોર્મ નંબર 2 પર લિફ્ટની સુવિધા નથી. મુસાફરોએ લાંબા પ્લેટફોર્મને રેમ્પ દ્વારા પાર કરવું પડે છે.સ્ટેશન સલાહકાર સમિતિના સભ્યોએ વેસ્ટર્ન રેલવેના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ થયું નથી. આજે સવારે વરસાદ દરમિયાન પ્લેટફોર્મ પરથી પાણી ધોધ સ્વરૂપે વહેતું હતું. મુસાફરોને બેસવા કે ઊભા રહેવા માટે કોઈ સલામત જગ્યા મળી ન હોતી.

