વલસાડ: આગામી નવરાત્રિ, દશેરા અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક (SP)ના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના જવેલર્સ, આંગડિયા પેઢીના સંચાલકો અને તેમના એસોસિએશનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારોના દિવસોમાં સંભવિત છેતરપિંડી અને ચોરીના બનાવોને અટકાવવાનો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ SP દ્વારા ઉપસ્થિત સૌને નકલી ઓળખ આપી છેતરપિંડી કરતા લોકો સામે સતર્ક રહેવા અને દુકાનોમાં ભીડનો લાભ લઈને ચોરી કરતા વ્યક્તિઓ સામે એલર્ટ રહેવા સૂચનો આપવામાં આવ્યા હતા.સુરક્ષાના ભાગરૂપે, ગ્રાહકોની ભીડના સમયે CCTV કેમેરાનું સતત મોનિટરિંગ કરતા રહેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી કિંમતી ઘરેણાંની ચોરી અટકાવી શકાય.વધુમાં, પોલીસ કે અન્ય સરકારી અધિકારીની ઓળખ આપીને ચેકિંગ કરવા આવતા વ્યક્તિઓના ID કાર્ડ ખાસ તપાસવા અને નજીકના પોલીસ મથકના PI કે PSIને જાણ કરવા પણ સૂચના અપાઈ હતી.

કોઈ શંકાસ્પદ વ્યક્તિની ગતિવિધિ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ મથકે જાણ કરવા અને છેતરપિંડી કરવા આવેલા વ્યક્તિને વાતોમાં ભોળવી રાખી પોલીસને સમય આપવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.આંગડિયા પેઢીના સંચાલકોને ખાસ સૂચના આપવામાં આવી હતી કે કિંમતી વસ્તુઓનું પરિવહન કરતી વખતે તેમાં GPRS ટ્રેકર રાખવામાં આવે. જો કોઈ સતત પીછો કરતું હોય તો તાત્કાલિક એલર્ટ થઈને નજીકના મિત્રો કે પોલીસની મદદ મેળવી લેવા પણ જણાવાયું હતું.