નવસારી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ખખડધજ માર્ગો પ્રત્યેના રોષ બાદ માર્ગ અને મકાન વિભાગ સક્રિય બન્યું છે. નવસારી જિલ્લામાં વરસાદ અટકતાની સાથે જ ખરાબ રસ્તાઓના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.નવસારી-ગણદેવી રાજ્ય ધોરીમાર્ગ પર પડેલા ખાડાઓના પેચવર્કનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા અનુસાર, 18 કિલોમીટર લાંબા આ માર્ગ પર જુદી જુદી જગ્યાએ કુલ અઢી કિલોમીટર વિસ્તારમાં ખાડા પડયા છે.જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના અન્ય પાંચ માર્ગોની મરમ્મત પણ શરૂ કરવામાં આવી છે.
આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરીજનોને જર્જરિત રસ્તાઓ પરથી પસાર થવામાં હાલાકી ન પડે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, માર્ગ અને મકાન વિભાગની કામગીરીમાં વરસાદ અવરોધરૂપ બની રહ્યો છે. કામ શરૂ થયા બાદ વરસાદ શરૂ થતાં તેને ફરીથી બંધ કરવાની ફરજ પડે છે, જેના કારણે સમારકામની ગતિ ધીમી પડી રહી છે.

            
		








