વલસાડ: વલસાડ શહેરમાં સફાઇ માટે નવસારીની અભી એન્ટરપ્રાઇઝ એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ એજન્સી દ્વારા શહેરમાં કોન્ટ્રાકટના સફાઇ કર્મયોગીઓ દ્વારા કચરો એકત્ર કરી છુટો પાડીને ભરીને ડમ્પિંગ સાઇડ સુધી પહોંચાડે છે. શહેરના કુલ 11 વોર્ડમાં આ કામગીરી માટે 17 ટ્રેકટરો કામે લગાડે છે. હવે સરકાર દ્વારા શહેરમાં કલેકશનના વાહનોની બોડી બંધ હોવી જોઇએતેવી સૂચના હેઠળ સીઓ દ્વારા એજન્સીને બંધ બોડીના વાહનો બનાવવા નોટિસ પાઠવી અમલ કરવા આદેશ કર્યો છે. જેના કારણે એજન્સી દ્વારા ઇન્કાર કરી તેમનો કોન્ટ્રાક્ટ પુરો થઇ ગયો હોવાનું જણાવી દીધું છે. જેને લઇ આગામી દિવસોમાં વલસાડ શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી ઠપ થઇ જવાની દહેશત છે.
Decision News ને મળેલી માહિતી મુજબ સરકારી નિયમ મુજબ વાહનો રાખો પાલિકા ચીફ ઓફિસર દ્વારા એજન્સીને જારી કરેલા પત્રમાં વલસાડમાં પાલિકા હદ વિસ્તારમાં વોર્ડ નં.1 થી 11માં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે વપરાતા એજન્સીના વ્હીકલોને બંધ બોડીના બનાવવા જરૂરી હોવા પર ભાર મૂકાયો છે.સરકારની ગાઇડલાઇન મુજબ ડોર ટુ ડોર કલેકશનમાં વપરાતા વ્હિકલો બંધ બોડીના વપરાશમાં લેવા એજન્સીને જણાવ્યું છે.જેનો અહેવાલ દસ દિવસમાં રજૂ કરવા ચીફ ઓફિસરે તાકીદ કરી છે.
કોન્ટ્રાક્ટ પુરો, છુટા કરવા એજન્સીની માગ વલસાડમાં ડોર ટુ ડોર કચરા સંગ્રહની કામગીરીમાં બંધ બોડીના વાહનો બનાવવા માટે સૂચના વચ્ચે અભી એન્ટરપ્રાઇઝે પાલિકાને સ્પષ્ટ જણાવ્યું કે, માર્ચમાં કોન્ટ્રાક્ટ પૂરો થઇ ગયો છે અને નવા વર્કઓર્ડર મુજબ નવી એજન્સી ન આવે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ ચાલુ રાખવાનો છે.5 માસથી વધારાની મુદ્દત માટે કામગીરી થઇ રહી છે.જેથી તાત્કાલિક નવી એજન્સીને કામ સોંપી છુટા કરવા અભી એન્ટરપ્રાઇઝે માગ કરી છે. જોકે, આ મુદ્દે પાલિકા અને સફાઇ કોન્ટ્રાક્ટર આમને સામને આવી જતા મામલો ગરમાશે.

            
		








