વાંસદા: ગતરોજ પર્યાવરણનું મહત્વ સમજાવી અને તેની જાળવણી મુદ્દે 76 મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ અધ્યક્ષ વાંસદા – ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં વાંસદા તાલુકાના મનપુર ગામે આઇટીઆઈના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ મનપુર ITI માં પટાંગણમાં વન મહોત્સવ કાર્યક્રમમાં વિવિધ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાવી ધારાસભ્ય અનંત પટેલે પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો હતો. આઈટીઆઈ પટાંગણમાં વિવિધ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અનંત પટેલ સહિત ઉપસ્થિત આગેવાનો દ્વારા વૃક્ષરથને લીલી ઝંડી બતાવી ગામેગામ વૃક્ષારોપણ માટે પ્રસ્થાન કરાવ્યું હતું. ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે આવક મેળવવા માટે ફળફળાદીના વૃક્ષો રોપવા જોઈએ જેનાથી પરિવારનું ગુજરાન ચલાવી શકાય. વૃક્ષો રોપ્યા બાદ એની જાળવણી કરવી ખૂબ જરૂરી છે.
આ પ્રસંગે ગામના સરપંચ યોગીતાબેન બિરારી, ITI ના આચાર્ય જે.એમ.પટેલ, ઉનાઈના સરપંચ મનીષ પટેલ, તાલુકા કોગ્રેસ પ્રમુખ નિકુંજ ગામીત, માનકુનીયા સરપંચ જયંતીભાઈ, ગણેશભાઈ, સામાજિક વનીકરણ વિભાગના આરએફઓ ચંદ્રિકાબેન તથા ફોરેસ્ટ સ્ટાફ અને વિવિધ ગામના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

            
		








