ખેરગામ: પાણીખડક ચોકડી પર વર્ષ ઓક્ટોબર 2023 દરમ્યાન ઘટેલી ચકચારી ઘટનામાં ખેરગામના યુવા આગેવાન તબીબ ડૉ. નિરવ ભુલાભાઈ પટેલ પર આત્મહત્યાની દુષ્પ્રેરણાનો આરોપ લાગતા તેઓની આગોતરા જામીન અરજી નામંજૂર થતા 25 એપ્રિલ 2024 ના રોજ ખેરગામ કોર્ટ સમક્ષ હાજર થયા હતાં જેમાં તેઓના વકીલ પરેશભાઈ વાટવેચાની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી ખેરગામ પોલિસની રિમાન્ડ અરજી નામંજૂર કરી તેઓને નવસારી સબજેલમાં મોકલી આપવા આદેશ કરેલ હતો.

24 કલાકની પોલીસ કસ્ટડી દરમ્યાન ડો. નિરવ પટેલની તબિયત બગડતા તેઓને ખેરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવેલ ત્યાં તબિયત વધારે ખરાબ જણાતાં ત્યાંથી ડૉ.નિરવ પટેલને વલસાડ સિવિલ ખાતે એક્સપર્ટની સારવાર માટે ખસેડવામાં આવેલ. ડો. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા માનવ અધિકાર આયોગને કરેલ ફરિયાદમાં જણાવેલ ગંભીર આક્ષેપો અનુસાર તેઓને પોલીસ લાંબી શોધખોળ પછી પણ પકડી નહીં શકેલ અને અરજદાર તબીબ પોલીસના અનેક પ્રલોભનો અને ધમકીઓ પછી પણ પોલિસ સમક્ષ ધરપકડને બદલે જાતે કોર્ટ સમક્ષ હાજર થતા અને નામદાર અદાલત દ્વારા પોલીસની રિમાન્ડ અરજી નામંજૂર થતા પોતાનું ધાર્યું નહી થવાથી ગિન્નાયેલા ખેરગામ પોલીસ વિભાગ દ્વારા અદાલતમાંથી નવસારી સબજેલ લઈ જતી ઈમરજન્સી સારવાર માટે જરૂર પડે તેના માટે હાથમાં રાખવામાં આવેલ સોય કાઢી નાખી અપાવવા અને અસહ્ય ગંધાતા લોકઅપના ટોયલેટ અને મચ્છરો સહિતની વિષમ પરિસ્થિતિને કારણે તબિયત નરમ લાગતી હોવાને લીધે સરકારી દવાખાનામાં એકવાર ચેકઅપ કરાવી દવા લેવાની હોય જમવાનું જમવા દીધા પછી જ્યુડિશિયલ કસ્ટડીમાં લઈ જવા દેવાની વિનંતી સાથે આવેલ પોલીસ કર્મચારી સતિષભાઈ અર્જુનભાઈ બકલ નંબર 967 ને વારંવાર વિનંતી કરવા છતાં દાદાગીરીપૂર્વક હેડકોન્સ્ટેબલ સતિષભાઈ દ્વારા અમારે તું કેઈ તેમ નથી કરવાનું હોતું, અમારે ગામિત સાહેબની સૂચના છે કે એની કોઈપણ વાત ધ્યાને લીધા વગર તને નવસારી સબજેલમાં મૂકી આવવાનો છે એટલે ગાડીમાં ચૂપચાપ બેસી રે.તેથી મેં સતિષભાઈને એ પણ જણાવેલ કે આ સોય હાથમાં રાખી મૂકવામાં આવશે તો નાર્કોટિક્સ વાળા હિંસક કેદીઓ ઝેરી દવા નાખીને મારું મૃત્યુ પણ નિપજાવી શકે છે પરંતુ વારંવારની મારી રજૂઆતો ધ્યાને લીધા વગર સતિષભાઈએ માણસાઈ ચૂકી જઈ પહેરેલે કપડે નવસારી સબજેલમાં મૂકી ગયેલ.

સબજેલમાં તબીબ ઉપલબ્ધ નહી હોવાથી આખી રાત મારે ઉજાગરો કરીને ટેન્શનમાં વિતાવવી પડેલ અને એ સિવાય ખૂબ ઘણી યાતનાઓ સહન કરવી પડેલ.આ બાબતે જેલમાંથી જામીનમુક્ત થયા પછી મેં નામદાર માનવ અધિકાર આયોગને ફરિયાદ કરેલ જેને ગંભીરતાથી લઈ માનવ અધિકાર આયોગે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકને નોટિસ કાઢી 20 દિવસની અંદર ઘટનાની યોગ્ય તપાસ કરી સર્વગ્રાહી અહેવાલ મોકલવા આદેશ આપેલ.પરંતુ પહેલેથી પોતાના જુનિયર એવા પીએસઆઇ એમ.બી.ગામીતને ખોટા કામોમાં બચાવવા માટે તત્પર રહેતા એસપી સુશીલભાઈ અગ્રવાલે માત્ર એકપક્ષીય નિવેદન લઈ કોઇપણ જાતની યોગ્ય તપાસ કર્યા વગર આવી કોઈ ઘટના બનેલ નથી એ પ્રકારનો રિપોર્ટ મોકલી આપેલ અને આ બાબતનો ગુસ્સો રાખી પીએસઆઈ એમ.બી.ગામિત અને એમની સૂચનાથી એએસઆઇ હિતેષ પટેલ દ્વારા અમોએ કરેલી ફરિયાદ પર નિવેદન લેવાના બહાને બોલાવી ખોટી રીતે લોકઅપમાં પુરી દઈ અસહ્ય માનસિક ત્રાસ આપતા મારી તબિયત લથડતા વારંવારની વિનંતી કરવા છતાં પણ સમયસર સારવાર નહી અપાવતા તબિયત ખૂબ જ ખરાબ રીતે લથડતા ચીખલી સ્ટેટ હોસ્પિટલમાંથી નવસારી સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવો પડેલ.

જેની સામે અમે નામદાર માનવ આયોગ સમક્ષ ફરીથી અપીલ કરતા ઘટનાની તપાસ ડીવાયએસપી બી.વી.ગોહિલને સોંપવામાં આવેલ જેનો રિપોર્ટ લાંબા સમય સુધી નહી પ્રાપ્ત થતા અમોએ આરટીઆઈ કરીને માહિતી માંગતા જાહેર માહિતી અધિકારી એ માહિતી છુપાવવાનો પ્રયાસ થતા અપીલ અધિકારી સમક્ષ નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકી ધારદાર દલીલો કરતા અહેવાલ પ્રાપ્ત થયેલ જેમાં તપાસ અધિકારી દ્વારા તત્કાલીન પીએસઆઈ એમબી ગામીતના નિવેદનનો સહારો લઈ પૂરતી તપાસ અમારા આક્ષેપોને નકારવામાં આવેલ કે ડો.નિરવ પટેલ દ્વારા હાથમાં રહેલ સોય કાઢવા બાબતે પીએસઆઈ એમ.બી.ગામિત કે એમના તાબા હેઠળના કોઇપણ કર્મચારીઓને જાણ કરવામાં આવેલ નથી.જ્યારે આજ અહેવાલમાં મને જેલસુધી મૂકવા આવનાર હેડકોન્સ્ટેબલ સતિષભાઈ અર્જુનભાઈ તપાસ અધિકારી સમક્ષ આપેલ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કહે છે કે ડો.નિરવ પટેલે હાથમાં રહેલ સોય કાઢવા રજૂઆત કરેલ હતી.

આમ ખેરગામ પોલિસે બે બે વાર અલગ અલગ પ્રસંગે આડકતરી રીતે મારી હત્યા થાય એવા સંજોગો ઊભા કરેલ હતા. પરંતુ નવસારી જિલ્લા પોલીસ તપાસના નામે તટસ્થ સાક્ષીઓ,સારવાર કરનાર તબીબો અને અન્ય સાંયોગિક પુરાવાઓને ધ્યાને લીધા વગર ખોટું કૃત્ય કરનાર પોતાના કર્મચારીઓને તપાસના નામે રીતસરના નાટક કરી રહી છે.અમારા જેવા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવનાર આંદોલનકારીઓ વિરુદ્ધ જ્યારે કોઈ આક્ષેપો લાગે ત્યારે કોઇપણ જાતની તપાસ કર્યા વગર સીધી એફઆઈઆર જ કરી દેવામાં આવતી હોય છે જ્યારે ખેરગામ પોલીસ વિભાગના ખોટા કૃત્યો સામે અમે પુરાવા સહિત ફરિયાદ કરતા હોઈએ ત્યારે પોતાના વિભાગના ખોટા કૃત્યો દબાવવા માટે કોઈપણ જાતની તપાસ કર્યા વગર એલોકોને ક્લિનચિટ આપી દેવા અમારા વિરુદ્ધ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ 4 કેસ જેમાંથી એકપણ પુરવાર નથી થયેલ તેનો હવાલો આપી અમને પોલીસ વિરોધી ચિતરી અરજી દફતરે કરી દેવા કેટલાક ઉપરી અધિકારીઓમાં રીતસરની હોડ જામી હોય તે સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

અમારા જેવા ઉચ્ચ શિક્ષણ મેળવેલ સામાજિક આગેવાનોએ ન્યાય મેળવવા આટલી હદે સંઘર્ષ કરવો પડતો હોય તો સામાન્ય માણસોની વેદનાઓનો તો ક્યાંથી પાર આવવાનો.આ બાબતે ન્યાય મેળવવા માટે અમે છેક સુધી લડત આપીશું.ભૂતકાળમાં પણ આરટીઆઇની કામગીરીમાં અરજદારને ખોટી રીતે હેરાનગતિ કરવા બદલ આજ પીએસઆઈ એમબી ગામીતને નામદાર ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી ચૂક્યો છે અને એસપી સુશીલભાઈ અગ્રવાલને પણ સખત શબ્દોમાં કડક નિર્દેશ આપી કોઇપણ અરજદારો સાથે ગેરવર્તન નહી કરવા આદેશ થઈ ચૂક્યા છે ત્યારે પોલીસ વિભાગના ઉપરી અધિકારીઓના ખોટું કરનાર કર્મચારીઓ વિરુદ્ધ પગલા લેવા માટે અંતરઆત્મા ક્યારે જાગશે એ પ્રશ્ન છે.અન્યાય સામે લડતા લડતા અમે હજુપણ થાક્યા નથી અને ભવિષ્યમાં પણ થાકીશું નહીં કારણકે અમારી એવી ઇચ્છા છે કે જે હેરાનગતિ અમે ભોગવી છે તે બીજા નિર્દોષ લોકો નહીં ભોગવે.

હવે જોવાનું એ રહ્યું કે તપાસ અધિકારી નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક અને પીએસઆઈ એમ. બી.ગામિત બોલી રહ્યા છે કે ડો.નિરવ પટેલને નવસારી સબજેલ સુધી મૂકવા જનાર હેડકોન્સ્ટેબલ સતિષભાઈ બોલી રહ્યાં છે કે પછી ડો. નિરવ પટેલ એ આવનાર સમયમાં ન્યાયતંત્ર નક્કી કરશે પરંતુ હાલમાં આ ચર્ચા સમગ્ર ખેરગામ પંથકમાં ચર્ચાના ચકડોળે ચડી છે.