નવસારી: નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. બે દિવસના છૂટાછવાયા વરસાદી ઝાપટા બાદ આજે જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. નવસારી અને જલાલપોર તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. બંને તાલુકાઓમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેથી રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે.

નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે વાતાવરણમાં ઠંડક ફેલાવી છે.કાળા ડિબાંગ વાદળોની વચ્ચે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.

નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પવન સાથે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે બાગાયતી વિસ્તારમાં ચીકુની ખેતી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચીકુના પાકને નુકસાન થવાની શક્યતાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.