ગૃહમંત્રી અમિત શાહની બંગાળની મુલાકાતનો આજે બીજો દિવસ છે. આ દરમિયાન તે સૌથી પહેલા શાંતિ નિકેતન પહોંચ્યા છે. અહીં તેમણે રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ પાઠવી છે. અહીં વિશ્વભારતી વિશ્વવિદ્યાલયમાં તેમનો કાર્યક્રમ છે. અહીંના બાંગ્લાદેશ ભવન સભાગારમાં તેમનું ભાષણ થશે. બપોરે બે વાગ્યે બોલપુરમાં તેમનો રોડ શો થશે. શાહ સાંજે દિલ્હી જવા રવાના થશે.
ભાજપના ચૂંટણી અભિયાનને ધ્યાનમાં રાખતા બોલપુર ઘણું મહત્વનું છે. આ સંસદીય વિસ્તાર એક સમયે કોમ્યુનિસ્ટ પાર્ટીનો કિલ્લો હતો. 1971થી 2014 સુધી સતત અહીં કોમ્યુનિસ્ટ પાર્ટીનું રાજ હતું. જેમાં ચાર વખત સરાદિશ રોય અને સાત વખત દિગ્ગજ નેતા સોમનાથ ચેટર્જીએ ચૂંટણી જીતી હતી. 2014માં તૃણમૂલ કોંગ્રેસે આ કિલ્લો જીતી લીધો. બે વખતથી આ બેઠક પર તેનો જ કબજો છે.
અમિત શાહેની પહેલી વખતની મુલાકાત ધમાકેદાર રીતે કરી છે. મિદનાપુરમાં યોજાયેલી તેમની રેલીમાં તૃણમૂલ કોંગ્રેસના ઘણા ધારાસભ્ય, એક સાંસદ, પૂર્વ સાંસદ અને CM મમતા બેનર્જીના ખાસ રહી ચુકેલા શુભેન્દુ અધિકારી ભાજપમાં સામેલ થઈ ગયા. અહીં અમિત શાહે કહ્યું કે, સારા લોકો ભાજપ સાથે જોડાઈ રહ્યાં છે.
પહેલા દિવસે અમિત શાહે મિશન બંગાળની શરૂઆત રામકૃષ્ણ આશ્રમ જઈને કરી હતી. અહીં તેમણે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપી. તેના પછી તે સ્વતંત્રતા સેનાની ખુદીરામ બોઝના ઘરે ગયા અને તેમના પરિવારજનોની મુલાકાત કરી. અહીં તેમણે કહ્યું કે, ખુદીરામ બોઝના ઘરે આવીને નવી ઉર્જાનો અનુભવ કરી રહ્યો છું. પશ્વિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી પણ છે. આ બધાની વચ્ચે અમિત શાહની મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે.
આજે અમિત શાહનો કાર્યક્રમ
ગૃહમંત્રી અમિત શાહ સવારે 11 વાગ્યે વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલય, શાંતિ નિકેતન જશે. અહીં રવીન્દ્ર ભવનમાં તે ગુરુ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ આપશે.
અહીં તે મીડિયા સાથે વાત કરશે. ત્યારપછી તે વિશ્વવિદ્યાલયના સંગીત ભવન જશે અને બપોરે 12 વાગ્યે અહીંના બાંગ્લાદેશ ભવન સભાગારમાં તેમનું ભાષણ થશે.
અહીંથી તે વીરભૂમ માટે રવાના થઈ જશે. તે વીરભૂમના શ્યામબતી, પારુલદંગામાં બપોરે 12.50 વાગ્યે ગાયક પરિવાર સાથે ભોજન કરશે.
બપોરે બે વાગ્યે અમિત શાહ બોલપુરમાં સ્ટેડિયમ રોડ ખાતે આવેલા હનુમાન મંદિરથી બોલપુર સર્કલ રોડ શો કરશે.
સાંજે 4.45 વાગ્યે તે મોહોર કુટીર રિસોર્ટમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. તેના પછી દિલ્હી રવાના થઈ જશે.