નવસારી: નવસારી જિલ્લામાં નવરાત્રી મહોત્સવને લઈને હિન્દુ સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. સંગઠનોએ માંગ કરી છે કે ગરબા આયોજનમાં માત્ર હિન્દુ સમાજના લોકોને જ પ્રવેશ આપવામાં આવે. હિન્દુ સંગઠનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે નવરાત્રી શ્રદ્ધા અને ભક્તિનો તહેવાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિધર્મી તત્વો દ્વારા અશાંતિ ફેલાવવાના અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના બનાવો બન્યા છે.

સંગઠનોએ આરોપ મૂક્યો છે કે કેટલાક વ્યવસાયિક આયોજકો આર્થિક લાભ માટે વિધર્મી કલાકારોને આમંત્રણ આપે છે. આ કારણે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાય છે. સંગઠનોએ પ્રશાસનને આવા બનાવોની જવાબદારી સોંપી છે.હિન્દુ સંગઠનના સભ્ય સંજય નાયકે જણાવ્યું કે રાજ્ય સરકાર જાહેરનામું બહાર પાડે તેવી માંગ કરી છે. જોકે, કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ કાયદાકીય જોગવાઈ નથી.

સંગઠનોએ ગરબા આયોજકોને અપીલ કરી છે કે તેઓ માતાજીની આરાધનાના પર્વમાં વિધર્મી મહેમાનો, પ્રેક્ષકો કે કલાકારોને પ્રવેશ ન આપે. સાથે જ પ્રશાસનને વિનંતી કરી છે કે કડક સુરક્ષા વ્યવસ્થા દ્વારા શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં આવે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here