વલસાડ: વલસાડ જિલ્લા પોલીસે NDPS એક્ટ હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને નાશિક (મહારાષ્ટ્ર)માંથી ઝડપી પાડયો છે. આરોપી શ્રવણકુમાર ચુનારામ મનારામ બિશ્નોઈ (41) નાશિકના આડગાંવ, પંચવટી વિસ્તારમાં રહેતો હતો.
વલસાડ SP યુવરાજસિંહ જાડેજા અને DySP એ.કે. વર્મા તથા એલ.સી.બી.ના PI ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડુંગરી PI યુ.એચ. પટેલ અને તેમની ટીમે કેસ ડાયરી અને ચાર્જશીટનો અભ્યાસ કર્યો હતો. બાતમીદારો મારફતે આરોપીની લોકેશન નાશિક હોવાની માહિતી મળી હતી.
ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો. આરોપી સામે NDPS એક્ટ 1985ની કલમ 8(સી), 15(સી), 29 મુજબનો ગુનો નોંધાયેલો છે. વલસાડ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા આરોપીને 17 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.ડુંગરી પોલીસની આ કામગીરીથી લાંબા સમયથી ફરાર આરોપીને કાયદાના સકંજામાં લેવામાં સફળતા મળી છે. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

