ગુજરાત: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત મહેસૂલ તલાટીની સીધી ભરતીની પ્રાથમિક પરીક્ષા 14 સપ્ટેમ્બર રવિવારે વલસાડ જિલ્લામાં યોજાશે. આ પરીક્ષામાં સુરત અને નવસારી જિલ્લાના મળીને કુલ 19,354 ઉમેદવારો ભાગ લેશે.પરીક્ષાનો સમય બપોરે 2થી 5 વાગ્યા સુધીનો રહેશે. ઉમેદવારોએ પરીક્ષા શરૂ થતાં પહેલા બે કલાક અગાઉ કેન્દ્રમાં હાજર થવાનું રહેશે. પરીક્ષાર્થીઓને માત્ર હોલ ટિકિટ, ફોટો ID અને પેન લઈ જવાની છૂટ આપવામાં આવી છે. 54 પરીક્ષા કેન્દ્રો માટે કુલ 1,156 સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ તમામ કેન્દ્રો પર CCTV કેમેરાની નિગરાની રહેશે. પરીક્ષાર્થીઓને સરળતાથી પરીક્ષા કેન્દ્ર શોધવામાં મદદ મળે તે માટે QR કોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જિલ્લા નિવાસી અધિક કલેક્ટર મહિપાલસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તમામ અધિકારીઓને તટસ્થ રીતે પરીક્ષા યોજવા સૂચના આપવામાં આવી છે.દરેક કેન્દ્ર પર લાઇટ, પંખા, પીવાના પાણી, બસ સેવા અને આરોગ્ય સેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પરીક્ષાના સુચારુ આયોજન માટે કલેક્ટર કચેરી, પોલીસ, શિક્ષણાધિકારી કચેરી અને અન્ય વિભાગોના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. પરીક્ષા સામગ્રીના પરિવહન અને સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.રવિવારે વલસાડમાં યોજાનારી આ પરિક્ષામાં સમગ્ર જિલ્લામાંથી યુવાઓ પરિક્ષા માટે આવશે આ માટે વલસાડ એસટી વિભાગ દ્વારા પણ ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેથી કરીને વિદ્યાર્થીઓ આશાનીથી પરિક્ષા કેન્દ્રો પર પહોંચી શકે યુવાઓએ પરિક્ષામાં સફળ થવા માટે ખાનગી ક્લાસમાં ગયા હતાં.

