વલસાડ: વલસાડમાં ગઈકાલે મોડી રાત્રે એક દારૂના નશામાં ધૂત કાર ચાલકે કહેર મચાવ્યો હતો. કારમાં “પોલીસ”ની પ્લેટ રાખી પીધેલી હાલતમાં કેટલાક વાહનો અને પશુઓને ટક્કર મારી હતી. આ ઘટનામાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા, જ્યાં એક વાછરડી અને કૂતરાનું મોત નિપજ્યું છે. ઘટના બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ દારૂડિયા કાર ચાલકને કપડાં કાઢીને ફટકાર્યા બાદ પોલીસને સોપ્યો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુર ચોકડીથી ROB બ્રિજ તરફ જતા રસ્તે કાર ચાલકે પુરપાટ ઝડપે અને બેદરકારીથી વાહન ચલાવ્યું હતું. આ દરમિયાન તેણે રોડ પર પાર્ક કરેલા વાહનોને અને રસ્તા પર બેસેલા પશુઓને ટક્કર મારી હતી. અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા થતાં તેમને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કાર ચાલક અકસ્માત કરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, સ્થાનિક લોકોએ કારનો પીછો કરીને તેને પકડી પાડયો હતો. ચાલક દારૂના નશામાં હોવાનું જાણતાં ગુસ્સે થયેલા લોકોએ તેને માર પણ માર્યો હતો. ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં વલસાડ સિટી પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કાર ચાલકને કસ્ટડીમાં લીધો છે. કારમાંથી “પોલીસ” લખેલી પ્લેટ પણ મળી આવી છે. વલસાડ સિટી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

