ધરમપુર: ધરમપુરના લોક મંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ, ખોબા, ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને ધરમપુર નગરપાલિકાના સંયુક્ત પ્રયાસોથી માલનપાડામાં ડમ્પિંગ સાઈડ નજીક રાજ કલીકુંડ પાંજરાપોળનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પાંજરાપોળનો મુખ્ય ઉદ્દેશ્ય રખડતા પશુઓને આશરો આપવો અને તેમની સંભાળ રાખવાનો છે. જેથી તેઓને સુરક્ષિત અને સ્વસ્થ જીવન મળી શકે.
Decision News ને મળેલી માહિતી મુજબ હાલમાં આ ગૌશાળામાં 20 ગૌવંશોને આશરો આપવામાં આવ્યો છે. જેમને યોગ્ય ખોરાક, પાણી અને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. લોક મંગલમ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક નિલમ પટેલે જણાવ્યું હતું.આ પાંજરાપોળના સંચાલકોનું વિઝન ધરમપુરને ગુજરાતનું પ્રથમ રખડતા પશુ મુક્ત શહેર બનાવવાનું છે.
આ લક્ષ્યને હાંસલ કરવા માટે ભવિષ્યમાં પાંજરાપોળનું વિસ્તરણ કરવાની યોજના પણ છે. જેથી વધુ પશુઓને આશરો અને સંભાળ આપી શકાય. આ યોજના ન માત્ર પશુઓના કલ્યાણ માટે પરંતુ શહેરની સ્વચ્છતા અને સલામતી માટે પણ એક પ્રેરક પગલું છે. આ પાંજરાપોળમાં પશુઓની સારસંભાળ માટે બે વ્યક્તિની નિમણુંક તથા ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

