ચીખલી: ચીખલી તાલુકાના કણભઇ ગામે યુવાનનું શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસીસ રોગને કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. ચીખલી તાલુકાના ફડવેલ પીએચસીમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના કણભઇના આશાસ્પદ યુવાનને તાવ, ઉલ્ટી સહિતના લક્ષણો જણાતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જેનું ગત મંગળવારના રોજ સારવાર દરમિયાન મોત નીપજતા પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું. તેના આકસ્મિક મોતને પગલે પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ હતી. જોકે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી સેમ્પલ ન લઈ શકાતા ચોક્કસ લેપ્ટોસ્પાયરોસીસના કારણે જ મોત નીપજ્યુ હોવાની પુષ્ટિ થઇ ન હતી. જીવલેણ રોગ લેપ્ટોસ્પાયરોસીસ ઘણા સમયથી નથી ત્યારે પુન: ઉથલો માર્યાની શક્યતા છે. ચીખલીના કણભઇના આશાસ્પદ યુવાનનું શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસીસને કારણે મૃત્યુ થયું છે.
આરોગ્ય વિભાગ દ્વારા લેપ્ટોસ્પાયરોસીસ રોગ અને ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા લોકો માટે જરૂરી એવી ડોક્સીસાઇક્લોન કેપ્સુલ વિતરણ કરવા સાથે જરૂરી જાગૃતતા પણ લોકોમાં લાવવામાં આવે એ જરૂરી બન્યું છે.ફડવેલ આરોગ્ય વિભાગના કર્મચારીને લેપ્ટોસ્પાયરોસીસની દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું કે કેમ તે અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે ફડવેલ પીએચસીના તાબામાં આવતા ફડવેલ અને સારવણી ગામ હાઈ રીસ્ટામાં આવે છે. એ બન્ને ગામોમાં દવાનુ વિતરણ કરાયું હતું.

