ભરૂચ: ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી વધતા આત્મહત્યાના બનાવોને અટકાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું લીધું છે. બ્રિજની બંને બાજુ સેફ્ટી નેટ લગાવવા માટે રૂ. 1.84 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બનેલો આ બ્રિજ આત્મહત્યા માટેનું હૉટસ્પૉટ બની ગયો હતો. સ્થાનિક લોકો અને સામાજિક સંગઠનોએ લાંબા સમયથી સેફ્ટી નેટની માંગણી કરી હતી.ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરે વડોદરા વિભાગમાં દરખાસ્ત મૂકી હતી.

રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ વાયરમેશ સેફ્ટી જાળી લગાવવાનું કામ શરૂ થયું છે.પ્રથમ તબક્કામાં કેટલાક ભાગમાં ટ્રાયલ રૂપે જાળી લગાવવામાં આવી હતી. આ પ્રયોગને સારો પ્રતિસાદ મળ્યો છે. હવે સમગ્ર બ્રિજ પર સેફ્ટી નેટ લગાવવાની કામગીરી ચાલી રહી છે. આ પગલાથી આત્મહત્યાના બનાવોમાં ઘટાડો થવાની આશા છે.