સુરત: સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે નંબર 48 પર ચલથાણથી ડીંડોલી તરફ જતા નહેર વાળા રોડ પર આ ઘટના બની હતી.
Decision News ને પ્રાપ્ત માહિતી અનુસાર કરાડા ગામની સીમમાંથી એક હ્યુન્ડાઈ વર્ના કાર (નંબર GJ 10 DJ 6100) પસાર થઈ રહી હતી. આ દરમિયાન અચાનક રોડ પર કૂતરું આવી જતાં કાર ચાલકે તેને બચાવવા બ્રેક મારી હતી.વરસાદી માહોલને કારણે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
આ કારણે કાર રોડની બાજુમાંથી પસાર થતી ઉકાઈ-કાકરાપાર ચલથાણ બ્રાંચ નહેરમાં ખાબકી હતી.સદભાગ્યે, નહેરમાં પાણીનું સ્તર ઓછું હોવાથી કાર ચાલક અને તેમની સાથે મુસાફરી કરી રહેલા તમામ લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી આવ્યા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

