સુરત: ફક્ત પલસાણા જ નહીં, પરંતુ સમગ્ર સુરતના ઔધોગિક જગતને હચમચાવી નાખનારી પલસાણામાં આવેલી સંતોષ મિલમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટનામાં વધુ બે કામદારોના કરુણ મોત નિપજ્યા છે. હવે દુર્ઘટનામાં મૃત્યુ પામનાર કુલ કામદારોની સંખ્યા 6 પર પહોંચી છે. 15થી વધુ કામદારો ગંભીર રીતે દાઝી ગયા છે. તેમની જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર થઈ રહી છે.

આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ-સર્કિટ જવાબદાર હોવાનું માનવામાં રહ્યું છે. આ ઘટનાએ ઔધોગિક એકમોમાં કામદારોની સુરક્ષા વ્યવસ્થા સામે ઘણા સવાલો ઉભા કર્યા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કામદારોના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિવારજનોએ મિલના સંચાલકોની ઘોર બેદરકારીને આ મોત માટે જવાબદાર ગણાવી છે અને તેમની વિરૂધ્ધ કડક કાયદેસરની કાર્યવાહીની માગ કરી છે.

એક પરિવારજને જણાવ્યું કે, “અમારું કોઈ સાંભળતું નથી,” જે દર્શાવે છે કે આર્થિક અને માનસિક રીતે ભાંગી પડેલા પરિવારો ન્યાય માટે તલસી રહ્યા છે. પરિવારજનોનું કહેવું છે કે પૈસા કરતાં પણ વધુ મહત્વ ન્યાયનું છે. જો આ ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કડક પગલાં લેવામાં આવે, તો ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય એમ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here