સોનગઢ: ક્રાંતિવીર જનનાયક બિરસા મુન્ડાની 150 મી જન્મ જયંતી સમગ્ર દેશમાં ઉજવાય છે.જળ,જંગલ અને જમીનના રક્ષણ માટે અને અંગ્રેજ સરકારના દમણના વિરોધમાં ‘ઉલગુલાન’ આંદોલનથી ચારસો કિલોમીટરના વિસ્તારમાં ઝારખંડ અને બિહારમાં યુક્તિપૂર્વક આદિવાસીઓને એકત્ર કરીને આઝાદીની ચળવળ ચલાવેલી.તથા સ્થાનિક જમીનદારોના શોષણનો વિદ્રોહ પૂર્વક સામનો કરીને બિરસા આદિવાસીઓના ભગવાન થઈ ગયા. અંગ્રેજ સરકાર સામે થયેલાં આંદોલનોમાં ઈતિહાસ પ્રસિદ્ધ આંદોલન હતું.
સાહિત્ય સેતુ, વ્યારા તથા સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સોનગઢના સંયુકત ઉપક્રમે યોજાયેલ આ કવિ સંમેલનમાં પ્રકૃતિ, પર્યાવરણ, જમીન અને જળ વિષયક કાવ્યો પ્રસ્તુત કરીને શ્રોતાઓને રસ તરબોળ કરીને કાવ્યમય બનાવી દીધા. તથા આઝાદીના સંગ્રામમાં ક્રાંતિવીર બિરસા મુન્ડાના યોગદાન વિશેની ઐતિહાસિક જાણકારી મેળવી હતી. નૈષધ મકવાણા, પ્રા.ગીતા મકવાણા, ચંદ્રસિંહ ચૌધરી, સુરેન્દ્ર ગામીત, સુજીત ચૌધરી, અનિલ મકવાણા, મહેશ ધીમર, હેતલ ચૌધરી, પ્રા.ભરત બોરસેએ પોતાની સ્વરચિત કૃતિઓ પ્રસ્તુત કરી હતી. નિવૃત્ત સચિવ શ્રી નરેન્દ્ર ગામીત દ્વારા લખાયેલ કૃતિનું પઠન ડૉ.રાજેશ પટેલે કર્યું હતું. સંચાલન નૈષધ મકવાણાએ કર્યું હતું.આશરે દોઢસો જેટલા કોલેજના વિદ્યાર્થીઓ તથા પચ્ચીસ જેટલા અધ્યાપક તથા કર્મચારીઓએ કવિ સંમેલન માણ્યું હતું.
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોનગઢના ઉત્સાહી આચાર્ય ડૉ.રાજેશ પટેલના માર્ગદર્શનથી ગુજરાતી વિભાગના અધ્યાપક પ્રા.ઉમેદ ચૌધરી તથા અન્ય અધ્યાપકશ્રીઓના તલસ્પર્શી આયોજનથી કાર્યક્રમ અર્થસભર અને સફળ રહ્યો હતો. પ્રા.લવજી ગામીતે આભાર વ્યક્ત કર્યો હતો અને રાષ્ટ્રગીતના ગાનથી કવિ સંમેલન સંપન્ન થયું.

