ખેરગામ: ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી સાબરકાંઠાના આર્મી જવાન યશપાલસિંહ ઝાલા સાથે પોલિસે બ્લેક ફિલ્મ ઉતારવાના નામ પર જે હાથાપાઇ કરી નિંદનીય હરકતો કરેલ છે તે પોલિસકર્મીઓ વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ડો। નિરવ પટેલે કરી છે.

આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે હાલમાં સોસીયલ મીડિયામાં એક વિડીયો ખુબ જ઼ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તલોદ ગામના યશપાલસિંહ ઝાલા નામના આર્મી જવાન સાથે બ્લેક ફિલ્મ ઉતારવા બાબતે ખુબ જ઼ નિમ્ન કક્ષાની હરકતો પોલિસ દ્વારા કરવામાં આવે છે. નિયમો બધાને માટે સરખા છે તેથી યશપાલસિંહે કાળા કાચ રાખવા જ નહીં જોઈતા હતાં પરંતુ તેના માટે આ રીતે હાથાપાઇ કરવી બિલકુલ યોગ્ય નહીં કહેવાય. એક આર્મીમેન સાથે આ વર્તન તો સામાન્ય નાગરિકો સાથે કેવું વર્તન હશે તે વિચારવા જેવી બાબત છે. કારણ કે વાયરલ વિડીયોમાં આર્મી જવાન કહી રહ્યો છે કે આ મારા સંબંધી છે જે પોલિસમાં છે તેની ગાડી છે મતલબ લોકોએ કાળા કાચ નહીં રાખી શકાય પરંતુ પોલિસવાળા રાખી શકે. મારામારી દરમ્યાન વિડીયોમાં કાળા કાચવાળી સ્કોર્પિયો ગાડી પણ પસાર થાય છે તેના કાળા કાચ કેમ નથી ઉતારવા દબાણ કરવામાં આવતું એ પ્રશ્ન સોશ્યલ મીડિયામાં અને સામાન્ય લોકોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

અત્યારે તમે સોશ્યલ મીડિયા અને ગલી નુક્ક્ડ પર ચર્ચા સાંભળશો તો 1 લાખ માંથી 1 વ્યક્તિ પોલીસની તરફદારી કરતા જોવા મળશે બાકીના બધા લોકો આર્મી જવાનને સપોર્ટ કરી રહ્યા છે. ઘણા બધા પોલિસ સ્ટેશનમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ પડી રહેતી હોય છે તે ગાડીઓ કોના આશિર્વાદથી કાયદાનો ડર રાખ્યા વગર અને કોણ લઈને ફરતું હોય છે તે સમગ્ર દેશની જનતા સારી રીતે જાણે છે. દેશની રક્ષા માટે પોતાનો જીવ આપવા તૈયાર આર્મી જવાન સાથે આટલુ નીચ વર્તન લોકોમાં ભારે ધિક્કારપાત્ર બન્યો છે અને લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આર્મી જવાનની કાળા કાચ રાખવાની ભૂલ હતી તો છેલ્લે ઓનલાઇન મેમો પણ બનાવી શકાયો હોત પણ કેબિનમાં લઇ જઈને દરવાજો બંધ કરીને એક એકલા જવાન પર ઘણાબધા પોલિસ તૂટી પડે તે કેટલી હદે શરમજનક બાબત છે.

આથી અનેક લોકોના માટે આદરના પાત્ર એવા સૈન્ય જવાનો સાથે આવું વર્તન બિલકુલ સ્વીકાર્ય નથી તે બાબતે યોગ્ય કાર્યવાહી કરશો અને ગુંડાગર્દી કરનાર પોલિસવાળાઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરશો એવી અમારી માંગ છે.