ગુજરાત: ગુજરાત સરકારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે. રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ વલસાડમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, રાજ્યના લાખો વીજ ગ્રાહકોને પ્રતિ યુનિટ વીજ બિલમાં 15 પૈસાની રાહત આપવામાં આવી છે. આ રાહત જાન્યુઆરીથી અમલમાં મૂકવામાં આવી છે.ગુજરાત પોતાનું વીજ ઉત્પાદન કરે છે. આ કારણે અહીં વીજળી ઓછા દરે ઉપલબ્ધ છે.
રાજ્યમાં પવન ચક્કી દ્વારા વીજળી ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આનો સીધો લાભ ગ્રાહકોને મળી રહ્યો છે. મંત્રી કનુ દેસાઈએ વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર તમામ વર્ગના લોકોને વીજ બિલમાં રાહત આપવા માટે સતત પ્રયત્નશીલ છે.કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠકમાં દૂધ સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓને GST માંથી મુક્તિ આપવામાં આવી છે. હવે માત્ર બે જ GST સ્લેબ – 5% અને 18% અમલમાં રહેશે. આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે.
વલસાડ ખાતે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ આ નિર્ણયને આવકાર્યો છે.કનુ દેસાઈએ જણાવ્યું કે GST સરળીકરણથી સામાન્ય વર્ગના લોકોને સીધો લાભ થશે. તેમના મતે, આ પગલાંથી લોકોની ખરીદ શક્તિ વધશે. વધુ ખરીદીથી GSTની આવકમાં પણ વધારો થશે. શરૂઆતમાં સ્લેબ ઘટવાથી સરકારની આવકમાં થોડો ઘટાડો થઈ શકે છે. જો કે, વપરાશમાં વધારો થતાં આ ખાધ પૂરી થશે અને સરકારની આવકમાં ફરી વધારો થશે.

