નર્મદા: નર્મદા જિલ્લાના કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના ત્રણ ગેટ 2 મીટર સુધી ખોલવામાં આવ્યા. સાંજે 38,028 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.નર્મદા નદીમાં પણ 3.35 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તોરાણા ધનપોરથી નર્મદા નદીને મળતી કરજણ નદીમાં નર્મદાનું પાણી બેક વળતા હજરપુરા અને ભચરવાડા ગામના કાંઠાના ખેતરોને વ્યાપક નુકસાન થયું છે.
પાણી કાંઠાના ખેતરોમાં ભરાઈ જવાથી કેળાના પાકને મોટું નુકસાન થયું છે. નદી બે કાંઠે વહેતા કાંઠાના ખેતરો કેળાના પાક સાથે ધોવાઈ ગયા છે. 8 થી 10 ફૂટ સુધી ખેતરો ધોવાણ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.હજરપુરા ગામના ખેડૂત નિકુંજ પટેલના જણાવ્યા મુજબ, કરજણ કે નર્મદા નદીમાં પાણી છોડાય ત્યારે કાંઠાના ગામોના ખેડૂતોની મુશ્કેલીઓ વધી જાય છે.
રાત્રે ઊંઘ પણ નથી આવતી. બંને નદીઓના પાણીની અસરથી હજરપુરા અને ભચરવાડા ગામની 1200 એકર જમીનોને નુકસાન થયું છે.ખેડૂતોએ પ્રોટેક્શન વૉલની માંગ કરી છે. જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં કાંઠાના એક પણ ખેતર નહીં બચે તેવી ભીતি સેવાઈ રહી છે.

