અંકલેશ્વર: અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદ અને નર્મદા નદીની જળસપાટી ભયજનક સ્તરે પહોંચતા શહેરમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. કડકિયા કોલેજ નજીક માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. આ કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ લોકોને પોતાના રોજિંદા કામકાજ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટા વાહનો પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે. જો કે નાના વાહનચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું અત્યંત જોખમી બની ગયું છે.
અંકલેશ્વર-સુરતને જોડતો સ્ટેટ હાઈવે હાલ નદી જેવો દેખાઈ રહ્યો છે. કેટલાક લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. નોકરી અને ધંધા પર જતા લોકો રસ્તામાં અટવાયા છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

