ડેડિયાપાડા: ચૈતર વસાવાએ પોલીસ જાપ્તાનો ખર્ચ લગભગ દોઢ લાખ રૂપિયા થતો હોવાના કારણે પોલીસ સુરક્ષાની શરતમાંથી મુક્તિ માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી જેને લઈને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે તેમને વિધાનસભાના આગામી સત્રમાં પોલીસ સુરક્ષા વિના હાજર રહેવાની મંજૂરી આપી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ચૈતર વસાવાએ વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે ત્રણ દિવસના વચગાળાના જામીન માગ્યા હતા. સેશન્સ કોર્ટે તેમને આ જામીન મંજૂર કર્યા હતા, પરંતુ પોલીસ જાપ્તાની શરત મૂકી હતી. આ પોલીસ જાપ્તાનો ખર્ચ લગભગ દોઢ લાખ રૂપિયા થતો હતો. આ ખર્ચને કારણે વસાવાએ પોલીસ સુરક્ષાની શરતમાંથી મુક્તિ માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે આ અરજીને સ્વીકારીને સેશન્સ કોર્ટના આદેશમાં ફેરફાર કર્યો છે. હવે વસાવા પોલીસ જાપ્તા વિના વિધાનસભા સત્રમાં ભાગ લઈ શકશે. જો કે, તેમના જામીન માટેની અન્ય શરતો યથાવત રહેશે.
આ શરતો યથાવત..
1.જામીન દરમિયાન મીડિયાને સંબોધન કરી શકાશે નહીં.
2.કોઈ પણ પ્રકારની રેલી કે સભાનું આયોજન કરી શકાશે નહીં.
3.નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ રહેશે.

