વાંસદા: વાંસદા તાલુકામાં ગત સોમવારના રોજ બપોરે 2.7ની તીવ્રતાના ભૂંકપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર ભુકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. 1 સપ્ટેમ્બર 2025ના રોજ બપોર પછી 5.22 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.વાંસદા તાલુકાના લીમઝર ગામ પાસે 20.757 લેટિટ્યુડ અને 73.295 લોંગીટ્યુડ પર એપી સેન્ટર હોવાનું સરકારી વેબસાઈટના માધ્યમે જાણવા મળ્યું હતું. આ ભૂકંપમાં વાંસદા, રાણી ફળિયા, ઉપસળ, ચિકટિયા, દુબળ ફળિયા, લીમઝર જેવા ગામોમાં ભારે ઝાટકાનો અનુભવ થયો હતો.ભૂકંપની ડેપ્થ 4.5 કિલોમીટર અને તીવ્રતા 2.7 નોંધાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, ભૂકંપના આંચકાની તીવ્રતા વધતી જઈ રહી હોવાનું ડેટા દ્વારા જણાય રહ્યું છે. વારંવાર આવતાં ભૂકંપથી લોકોમાં દહેશત સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી વાંસદા પંથકમાં ટૂંકા અંતરે વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા હોવા છતાં પ્રશાસનિક અધિકારીઓ દ્વારા આજ સુધી કોઈપણ જાતના તકેદારીના પગલા ન લેવાતાં સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી.
વાંસદા પંથકમાં છેલ્લા 2-3 વર્ષથી વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યાં છે. કેલીયા ડેમ ભરાય ગયા બાદ આ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવવાનું ચાલુ થઈ જાય છે. સાચું કારણ ભૂસ્તરશાસ્ત્રી દ્વારા તપાસ કરવામાં આવે તો જ સાચું કારણ ખબર પડશે. જવાબદાર પ્રશાસનિક અધિકારી દ્વારા ભૂકંપ આવવાના કારણો જાણવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી બન્યું છે.વાંસદા પંથકમાં અવારનવાર ભૂકંપ થતા રહે છે. ભૂકંપને કારણે લોકોએ શું સાવચેતી રાખવી જોઇએ તે બાબતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આ વિસ્તારના લોકોને જાણ કરે તો ભૂકંપથી થતી દુર્ઘટના રોકી શકાય એમ છે.











