ભરૂચ: ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખ્યો છે. મનસુખ વસાવાએ પત્રમાં જિલ્લા પ્રમુખ પર ગંભીર આરોપો મૂક્યા છે. તેમણે કહ્યું કે વર્તમાન પ્રમુખ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની જેમ જૂના કાર્યકરોની અવગણના કરે છે. તેઓ ભ્રષ્ટ અને દાદાગીરી કરનારા લોકોને આગળ ધપાવી રહ્યા છે.
સાંસદે દૂધધારા ડેરીના ઉમેદવાર પ્રકાશ દેસાઈ વિશે મહત્વનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે દેસાઈ ડેરીમાં એક લિટર દૂધ પણ આપતા નથી. છતાં રાજકીય દબાણથી તેમની ઉમેદવારી નોંધાઈ છે. વસાવાએ નેત્રંગ તાલુકાની ચાસવડ ડેરીના કૌભાંડનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે આરોપ મૂક્યો કે જિલ્લા પ્રમુખ અને જિલ્લા રજિસ્ટ્રાર ભ્રષ્ટ તત્વોને બચાવી રહ્યા છે.
ઝઘડિયા APMCના માળખા અંગે પણ સાંસદે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે પ્રકાશ દેસાઈની ટીમે જિલ્લા કે પ્રદેશ સ્તરે કોઈને વિશ્વાસમાં લીધા વિના માળખું ઊભું કર્યું છે. પત્રના અંતે વસાવાએ જિલ્લા પ્રમુખને સૂચન કર્યું છે. તેમણે જૂના કાર્યકર્તાઓની અવગણના ન કરવા અને મહત્વના નિર્ણયો પહેલા જિલ્લા સંકલનમાં ચર્ચા કરવા જણાવ્યું છે. આ પત્રથી દૂધધારા ડેરીની ચૂંટણી વધુ વિવાદાસ્પદ બની છે.

            
		








