નવસારી: નવસારી મહાનગરપાલિકાના વિકાસમાં નવું પ્રકરણ ઉમેરાયું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના હસ્તે શહેરના 250 કરોડથી વધુના 35 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.આ પ્રસંગે UDY બુક, નવસારી હેરિટેજ અને ટુરિઝમ પહેલ તેમજ ફ્લડ પ્લાન અંગેના પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ સ્વચ્છતા અને જળ વ્યવસ્થાપન માટેનો વર્કશોપ પણ યોજાયો હતો.

નવસારી મહાનગરપાલિકાએ આગામી સમય માટે 170 કરોડથી વધુના વિકાસ કાર્યોનું આયોજન રજૂ કર્યું છે. આ યોજના શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત અમલમાં મૂકવામાં આવશે. સાંસદ સી.આર. પાટીલે સરપંચોને ગામમાં જળસંચય માટે આયોજન કરવા અનુરોધ કર્યો છે. તેમણે સરપંચોને શાળા અને પંચાયત ઘરની સુવિધાઓ વધારવા માટે કાર્યયોજના બનાવવા જણાવ્યું છે. વિકાસ કાર્યો માટેના ભંડોળની ચિંતા ન કરવા સરપંચોને આશ્વાસન આપ્યું છે.

આ પહેલ વર્ષ 2005માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા શહેરી વિકાસ વર્ષની 20મી વર્ષગાંઠની ઉજવણીનો ભાગ છે. નવસારી હંમેશા રાજ્ય અને ગુજરાતમાં અગ્રેસર રહ્યું છે અને આ વિકાસ કાર્યોથી શહેરની સુવિધાઓમાં વધુ વધારો થશે.

આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી ભુરાભાઇ શાહ, ધારાસભ્ય શ્રી ધારાસભ્ય શ્રી આર. સી. પટેલ, ધારાસભ્ય નરેશ પટેલ, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી પરેશભાઈ દેસાઈ, કમિશ્નરશ્રી, કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને અન્ય હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.