છોટા ઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લાના ડુંગરવાંટ પાસે ભારજ નદી પરના પુલની સ્થિતિ ચિંતાજનક બની છે. પુલ પર બે મોટા ગાબડા પડવાથી સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે.છેલ્લા બે દિવસથી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે નદી-નાળાઓ છલકાઈ ગયા છે.
ચોમાસાની શરૂઆતમાં જ જિલ્લાના પાંચ પુલ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. અગાઉ, ડુંગરવાંટ પુલ પર ગાબડું પડી ગયું હતું, જેને સમારકામ કરી ભરવામાં આવ્યું હતું. હવે બીજું ગાબડું પડતાં પુલની સ્થિતિ વધુ નાજુક બની છે. ગાબડા એટલા મોટા છે કે નીચે વહેતી નદીનો પ્રવાહ સ્પષ્ટ દેખાય છે.
કેટલાક સમયથી આ પુલ પરથી 20 ટનથી વધુ વજનના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, હવે મોટી દુર્ઘટના ટાળવા માટે પુલ સંપૂર્ણપણે બંધ કરવાની માંગ ઉઠી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ મામલે યોગ્ય પગલાં લેવાની જરૂર છે.

