ખેરગામ: પોતાની ફરજમાં બેદરકારી દાખવનાર ખેરગામ પોલીસ સ્ટેશનના તત્કાલિન PSI ડી.આર.પઢેરિયા વિરુદ્ધ ભૂતપૂર્વ SP સુશીલભાઈ અગ્રવાલનાઓ દ્વારા છાવરવાના બદઇરાદે લાંબો સમય કાર્યવાહી નહીં કરી લોકહિતની ન્યાયિક પ્રક્રિયામાં અવરોધ ઉભો કરવા બાબતે ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા ગ્રૂહમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરવામાં આવી હતી.

નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનના તત્કાલિન PSI ધરમશી પઢેરિયા દ્વારા સામાવાળાનું નિવેદન નહીં લઇ પોતાની ફરજમાં બેદરકારી દાખવતા આ બાબતે ચીખલી DYSP દ્વારા 6 ફેબ્રુઆરી 2025 ના રોજ નવસારી SPને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવા ભલામણ કરેલ હતી. આ પત્ર અંગે કરેલી ભલામણ અંગે લાંબો સમય સુધી કોઈ યોગ્ય કાર્યવાહી નહીં થતાં અરજદાર ડો.નિરવ ભુલાભાઇ પટેલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરી હતી.

આ બાબતે મીડીયા સાથેની વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે ગૃહમંત્રી હર્ષભાઈને કરેલ ફરિયાદમાં જણાવેલ છે કે અમો અરજદારે PSI ડી.આર.પઢેરિયા જેઓ હાલ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં PI તરીકે ફરજ બજાવે છે અને PSI એમ.બી.ગામિત, હાલ લિવ રિઝર્વ(હેડ ક્વાર્ટર) બંને વિરુદ્ધ એક ફરિયાદ કરેલ હતી જેમાં બંનેની DYSP ચીખલી વિભાગની તપાસમાં બેદરકારી સામે આવી હતી આથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા DYSP ચીખલી વિભાગ દ્વારા તારિખ 06/02/2025 ના રોજ અરજી તપાસની જાણ/484/2025 હેઠળ તત્કાલિન નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલભાઈ અગ્રવાલનાઓને રિપોર્ટ કરેલ હતો. પરંતુ તત્કાલિન પોલીસ અધિક્ષકશ્રી સુશીલભાઈ અગ્રવાલનાઓ દ્વારા 6 મહિના જેટલો લાંબો સમય વીતવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરી પોતાની ફરજમાં બેદરકારી દાખવનાર PSI ડી.આર.પઢેરિયાને છાવરવાનો સ્પષ્ટ પ્રયાસ કરેલ હતો.અગાઉ પણ આજ PSI ડી.આર.પઢેરિયાના કાર્યકાળ દરમ્યાન રૂમાલમાં અમારી ક્લિનિકમાં સાદા કપડામાં બાઈક પર 3 સીટ આવેલ પોલીસ કર્મચારીઓ અમારા સ્ટાફને ધમકાવી માસ્ટર પાસવર્ડ લગાવી ડેટા ચોરી કરી ગયેલા હતાં,આ ઘટનાથી અમારા સ્ટાફને આઘાત લાગી જતાં અમારે ખુબ જ઼ મુશ્કેલીઓનો સામનો કરવો પડેલ.

ત્યારબાદ અમારી હોસ્પિટલમાં સ્ટેશનરીના કામનું બહાનું કાઢી રૂપિયાની ઉચાપત કરનાર સુરતના ઈસમ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધવાને બદલે PSI પઢેરિયાની સૂચના હેઠળ 4 મહિના જેટલાં લાંબા સમય સુધી 3 વાર ધ્યાનસૂચક અરજી આપવા છતાં કાર્યવાહી નહીં કરેલ અને ઉપરથી હેડકોન્સ્ટેબલ ગુણવંતભાઈ વાનખેડેએ છેતરપિંડી આચરનાર ઈસમ સાથે ગેરકાયદેસર રીતે મીલીભગત કરીને PSI પઢેરિયા સાથે મળીને બદસલુકી કરવાનો પ્રયાસ કરી અમારા નીકળતા 80000 રૂપિયા પરત મેળવવામાં અવરોધ ઉભો કરેલ અને ઉપરથી ધમકી પણ આપેલ કે તમે ગમે તેટલા ઉછળશો તો પણ ભુપતભાઈ પઢેરિયા સાહેબના ખાસ છે એટલે તમે એનું કઈ તોડી નથી લેવાના એમ કહીને છેતરપિંડી આચરનાર ઈસમ જેણે કરેલ કબૂલાત અનુસાર 80000 રૂપિયા આવતીકાલે ચેક મારફતે રૂપિયા ગુણવંતભાઈ વાનખેડેને મોકલી આપશે,તેમ છતાં ગુણવંતભાઈ વાનખેડે દ્વારા અમારી સામે જ ના ના કઈ વાંધો ની, અમે બેઠા છીએ, ભુપતભાઈ તમ તમારે મોકલજો શાંતિથી એમ જણાવી ઠગ ઈસમનું મનોબળ વધારેલ હતું.

ઉપરાંત આજ PSI ડી.આર.પઢેરિયાની બેદરકારીથી એક વ્યક્તિ પર અલગ અલગ બનાવોમાં 2 વાર ગાડી ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કરનાર અને બસચોરી સહિત એક અઠવાડિયામાં 3 ગંભીર ગુના આચરનાર ઈસમની ધરપકડ સમયસર થયેલ નહીં અને ધરપકડની માંગ કરી રહેલા હજારો લોકો સમક્ષ દાદાગીરી જતાં આક્રોશિત લોકટોળાએ ચોરી-લૂંટફાટ-દારૂ-ચરસગાંજા સહિતના દુષણોમાં ભારોભાર વધારો બાબતે પુરાવા સહિત PSI પઢેરિયાની ખરાબ કામગીરીનો મૌખિક રિપોર્ટ જાહેરમાં આપી દેતા, એ બાબતની અકળામણ રાખી અને અમો અરજદાર ગોલ્ડ મેડલિસ્ટ સર્જન તેમજ઼ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને વલસાડ બ્રાન્ચના ઇન્ડિયન મેડિકલ એસોસીએસનના પ્રમુખ હોય તેમજ સામાન્ય લોકોમાં કાયદાકીય જનજાગૃતિ અને અંધશ્રદ્ધામુક્તિ, વ્યસનમુક્તિના કામો કરી લોકજાગૃતિ વધારી રહેલ હોવાથી PSI પઢેરિયાની આંખોમાં કણાની જેમ ખૂંચતા હોવાથી કોઈપણ આધાર-પુરાવા વગર નામદાર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન હોવા છતાં પોતાની બેદરકારી છુપાવવા કોઈપણ જાતની તપાસ વગર ખોટો કેસ કરી અમો અરજદારને હેરાન પરેશાન કરવાના કાવતરા કરવામાં આવેલ છે.

ત્યારબાદ હું આગોતરા જામીન મેળવવા પોલીસ પહોંચથી દૂર હતો ત્યારે PSI પઢેરિયાના માર્ગદર્શન હેઠળ મારી નાની 4 વર્ષની દિકરીને શાળામાં જઈને ધમકાવવાનો નીચ પ્રયાસ ખેરગામ પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકેલ છે અને કાયમ વર્દી વગર હોસ્પિટલમાં તપાસ માટે જરૂરી કાગળો કે વોરન્ટ વગર રાત મધરાત મહિલા એકલી હોય ત્યારે ગેરકાયદેસર રીતે ઘુસી જઇ ખુબ જ઼ હેરાનગતિ કરેલ છે.

PSI ડી.આર.પઢેરિયા અને PSI એમ.બી.ગામીતને બચાવવા માટે SP સુશીલભાઈ અગ્રવાલે અમો અરજદારો સામે RTIની સુનવણી દરમ્યાન હું જજ છું,તમે મારી સામે બેસી નહીં શકો સહિત ન્યાયતંત્ર સામે ગંભીર આક્ષેપ કરતા વાણીવિલાસ કરેલ અને ખુબ જ઼ હિનકક્ષાનું વર્તન કરી અમો અરજદારોનું પારાવાર અપમાન કરેલ,જેની ગંભીરતાથી નોંધ લઇ નામદાર માહિતી આયોગ ગુજરાત રાજય દ્વારા PSI એમ.બી.ગામિતને 5000 રૂપિયાનો દંડ ફટકારેલ.તેમજ SP સુશીલભાઈ અગ્રવાલને અરજદારો સાથે અમાનવીય વર્તન નહીં કરવાની સખત તાકીદ કરેલ. માટે આ પત્ર બાબતે તત્કાલિન PSI ડી.આર.પઢેરિયા અને આ પત્ર છ મહિના સુધી દબાવી રાખી બદઇરાદે કોઈ કાર્યવાહી નહીં કરનાર તત્કાલિન SP સુશીલભાઈ અગ્રવાલ વિરુદ્ધ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેનાથી ખોટું કરનારા પોલીસ કર્મચારીઓમાં કાયદાનો ડર બનેલો રહે અને સામાન્ય જનતાનો પોલીસ વિભાગ પ્રત્યેનો વિશ્વાસ જળવાયેલો રહે એવી મારી માંગ છે.