નવસારી: નવસારી રેલવે સ્ટેશન ફાટક બંધ કરાતા લોકોને ઓવરબ્રિજ પરથી મોટો ચકરાવો કાપવો પડી રહ્યો હતો. જો કે બાદમાં એક તરફથી બીજી તરફ જવા માટે અંડર પાસ બનાવવામાં આવ્યો. અંડર પાસથી લોકોને રાહત તો થઇ છે પણ ચોમાસામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

વરસતા વરસાદમાં પાણી ભરાય તો સમજી શકાય પણ વરસાદ બંધ થયા બાદ પાણી સરળતાથી નિકળી જાય તેવી કોઇ સુવિધા જણાઇ રહી નથી. જેના કારણે અંડરપાસના મધ્ય ભાગમાં અને પશ્ચિમ દિશા તરફના પ્રવેશ દ્વારે પાણી ભરાઇ રહે છે. જેના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ગરનાળામાં પાણી ભરાઇ રહેવાને કારણે તેના વિકલ્પ તરીકે અંડરપાસ બનાવવામાં આવ્યો છે. હાલની સ્થિતિ એવી છે કે, ગરનાળામાં પાણીનો ભરાવો નથી થઇ રહ્યો પણ અંડરપાસમાં પાણી ભરાઇ રહે છે.રેલવે ટ્રેકની નીચે બનાવવામાં આવેલ અંડરપાસમાં ઉપરના ભાગે લગાવવામાં આવેલ બ્લોકના જોઇન્ટમાંથી પાણી ટપકી રહ્યું છે.