નવસારી: ગણદેવી તાલુકામાંથી પસાર થતા ને.હા.નં. 48 પર ખારેલ ઓવરબ્રિજ નીચે પડેલ ખાડાઓને લઈને વાહનચાલકોમાં ભારે આક્રોશ ફેલાયેલો જોવા મળે છે. આ ખાડાઓને લઈને સતત અકસ્માતનો ભય સેવાય રહ્યો છે છતાં તંત્ર બેદરકારી દાખવી રહ્યું છે.

ખારેલ ઓવરબ્રિજ નીચેનો માર્ગ 24 કલાક ધમધમતો રહે છે કેમકે અહીંથી નાસિક-સાપુતારા જવાનો ટૂંકો માર્ગ હોય ભારે વાહનો પણ આ માર્ગનો ઉપયોગ વધુ કરે છે. અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે.અહીંથી પસાર થતા ભારે વાહનો ખાડાઓને લઈને ભયજનક રીતે હાલક ડોલક થાય છે જે એવું લાગે છે કે એક દિવસ કોઈ ગંભીર અકસ્માત થશે.

આમ એક ખાડો તો એટલે મોટો છે કે અહી બેરીકેટ મુકવાની ફરજ પડી છે. અહીંથી પસાર થતા વાહનચાલકો કેટલાય દિવસથી હેરાન પરેશાન થઇ રહ્યા છે છતાં હાઇવે ઓથોરિટી અહીં ખાડા પુરવાની તસ્દી લેતા નથી, જે એક ગંભીર બાબત છે. ખાડાઓનું મરામત તાત્કાલિક ધોરણે થાય એ જરૂરી બની ગયું છે.