ધરમપુર: ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા અને પુસ્તક પરબ વલસાડના સંયુક્ત ઉપક્રમે સરકારી તાલુકા પુસ્તકાલય ધરમપુરમાં આજે 24 મી ઑગસ્ટના રોજ વીર કવિ નર્મદની 192મી જન્મજયંતીની ઉજવણી થઈ.

ધરમપુર નગરપાલિકા ગ્રંથાલયના પ્રાંગણમાં વીર કવિ નર્મદની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ત્યાંથી રેલીના રૂપમાં પદયાત્રા શરૂ થઈ સરકારી તાલુકા પુસ્તકાલય સુધી જવાની હતી. પરંતુ વરસાદને કારણે તેને અધવચ્ચેથી મોકૂફ રાખવામાં આવી. સરકારી તાલુકા પુસ્તકાલય, ધરમપુરમાં કાર્યક્રમના પ્રારંભે ગુજરાતનું રાષ્ટ્રગાન, કવિ નર્મદ રચિત “જય જય ગરવી ગુજરાત, દીસે અરુણું પ્રભાત” રજૂ થયું.

કાર્યક્રમના પ્રારંભે લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબાના સંસ્થાપક શ્રી નીલમભાઈ પટેલે ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખૂલ્લો મૂકવામાં આવ્યો. ડૉ. સંજયભાઈ પટેલ અને શ્રી અંકિતભાઈ દેસાઈ આ બન્ને વક્તાઓનો સરસ રીતે પરિચય કાર્યક્રમના સંયોજક શ્રી હાર્દિકભાઈ પટેલે કરાવ્યો.

ડૉ. સંજયભાઈ પટેલ ( ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર) એ નવપ્રસ્થાનકાર નર્મદ વિશે રસપ્રદ વક્તવ્ય આપ્યું. સાહિત્યના વિવિધ ક્ષેત્રે કેડીઓ કંડારનાર નર્મદનો સાક્ષાત્કાર જોસ્સા સાથે કરાવ્યો. તેમના વક્તવ્યમાં નર્મદની પ્રકૃતિ અને પ્રણયના કાવ્યોની વાતો પણ ઝીલાઈ આવી. આપણા પ્રાણવંતા પૂર્વજ, અર્વાચીનોમાં આદ્ય, સમયમૂર્તિ વિશે માહિતગાર થવાનું સૌને ગમ્યું.

શ્રી અંકિતભાઈ દેસાઈ (જાણીતા લેખક, વાપી) ના વક્તવ્યમાં “સુધારાનો સેનાની” નર્મદ વિશે વિગતે વાત થઈ. તત્કાલીન સમયના સામાજિક દૂષણની સામે નર્મદે બંડ પોકાર્યો. સુધારો પ્રબોધ્યો જ નહીં, પણ આચર્યો પણ. આવી અનેક વાતો ઉદાહરણ સહિત જોશીલી શૈલીમાં રજૂ કરી, શ્રોતાઓ પર એમની પકડ બનાવી રાખી. સમગ્ર કાર્યક્રમના સંચાલન દરમિયાન ડૉ. આશા ગોહિલે કવિ નર્મદની કાવ્યપંક્તિઓ રજૂ કરી. પરિણામે સમગ્ર નર્મદ ઉજાગર થતાં રહ્યા. વીર કવિ નર્મદની જન્મજયંતી સાચા અર્થમાં વિશ્વ ગુજરાતી દિવસની ઉજવણી બની રહ્યો.

ધરમપુર મહાનગરપાલિકાના પ્રમુખશ્રી મયંક મોદી, સરકારી તાલુકા પુસ્તકાલયના લાઇબ્રેરીયન પૂનમબેન ભટ્ટ તથા સમગ્ર સ્ટાફ, ધરમપુર નગરના મોભીઓ તથા નિમેષભાઈ ભટ્ટ, ભાવિનભાઈ પટેલ ઉપરાંત કપરાડા, પિંડવળ, કાજણરણછોડથી સાહિત્યરસિકોએ હાજરી આપી કાર્યક્રમને યાદગાર બનાવ્યો. વનરાજ કોલેજ, ધરમપુર તથા કુંવરબા કન્યા છાત્રાલય, આસુરાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમનો રસપૂર્વક આનંદ સાથે માણ્યો. વલસાડથી પુસ્તક પરબ વલસાડનાં સભ્યોએ હાજર રહી કાર્યક્રમને સફળતા તરફ દોરી ગયા.