નવસારી: વાંસદા તાલુકામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને પગલે નેશનલ હાઈવેના ખડકાળાથી વાંસદા સુધી મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે.વાહનોમાં નુકસાન સાથે ચાલકોની કમર તૂટી રહી છે.વાહન ચાલકોનું જે થાય તે પણ વહીવટી તંત્રને માત્ર રોડ ટેક્સ લેવામાં જ રસ હોવાનું પ્રતીત થઇ રહ્યું છે. વાંસદા તાલુકાના વાપી-શામળાજી નેશનલ હાઇવેની ઉનાઇથી ખડકાળા-વાંસદા સુધીનો માર્ગ કાયમ વિવાદમાં રહ્યો છે. ધારાસભ્ય અનંત પટેલે ખાડાઓમાં ઘણીવાર વૃક્ષારોપણ કર્યું તો ચક્કાજામ પણ કર્યું છે.
સાંસદ ધવલ પટેલે હાઈવે ઓથોરિટીના સ્ટેટના અધિકારીઓ સાથે મિટિંગ કરી રસ્તા પર ઉતરી આવ્યા પણ પણ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હા હા કરી સબ સલામત કરી સાંસદ ધવલ પટેલને પણ ગાંઠતા નથી. ભાજપના રાજમા સાંસદ કે મંત્રીઓનું પણ આ અધિકારીઓ સામે કંઈ જ ઉકળતું ન હોવાનું આ ખાડાઓને લઈ પુરવાર થઈ રહ્યું છે.
3 કિલોમીટરના રસ્તામાં એટલા ખાડા છે કે તેના પર વાહન ચલાવવું એ ઊંટની સવારી કરવા બરાબર. સરકારી તંત્ર માત્ર થીંગડા માર્યા કરે છે પરંતુ 24 કલાક વાહનોથી ધમધતા આ રસ્તા પર ખાડાના પગલે વાહન બગડવાના બનાવો સાથે વાહન ચાલકની કમર તૂટી જાય છે. આજ રસ્તા પરથી રાજકીય આગેવાનો સાથે સરકારી ક્લાસ વન અધિકારીઓની ગાડીઓ પણ અવરજવર કરતી હોય છે તો પણ આ રસ્તા પર વહીવટી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. વાહન ચાલકો ખાડાઓમાં રસ્તા શોધી રહ્યાં છે. ઊંડા ખાડાઓને લઈ વાહન ચાલકોના જીવ પણ તાળવે ચોંટી રહ્યાં છે.

