ડાંગ: ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી સ્નેહલ ઠાકરેના નેતૃત્વ હેઠળ આજે ડાંગ જિલ્લામાં “વોટ ચોર, ગદ્દી છોડ” ના નારા સાથે એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંદોલનનો હેતુ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા કથિત રીતે કરવામાં આવેલી “વોટ ચોરી” અને ચૂંટણી પંચની નિષ્ફળતા સામે જનજાગૃતિ લાવવાનો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ આ વિરોધ પ્રદર્શનમાં ડાંગ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો, સ્થાનિક નેતાઓ અને સમર્થકોએ ભાગ લીધો હતો. શ્રી સ્નેહલ ઠાકરેએ સભાને સંબોધતા જણાવ્યું કે, “લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના નામે લાખો મતદારોના નામ ગેરકાયદેસર રીતે કાઢી નાખવામાં આવ્યા, જે લોકશાહી અને બંધારણ પર સીધો હુમલો છે. રાહુલ ગાંધીજીએ આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરીને લોકશાહીની રક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.”
આ પ્રદર્શન દરમિયાન, કોંગ્રેસ કાર્યકરોએ “વોટ ચોર, ગદ્દી છોડ” અને “લોકતંત્ર બચાઓ” જેવા નારાઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ગજાવી હતી.શ્રી ઠાકરેએ વધુમાં જણાવ્યું કે, “અમે આ આંદોલનને દરેક ગામ અને શહેર સુધી લઈ જઈશું. ચૂંટણી પંચે ડિજિટલ મતદાર યાદી જાહેર કરવી જોઈએ અને આ કથિત વોટ ચોરીની તપાસ કરવી જોઈએ. અમે લોકશાહીના રક્ષણ માટે અમારી લડત ચાલુ રાખીશું.”આ આંદોલનના ભાગરૂપે, ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં મશાલ રેલી, જનજાગૃતિ અભિયાન અને સહી ઝુંબેશનો સમાવેશ થશે. કોંગ્રેસ પાર્ટી દેશભરમાં 5 કરોડ સહીઓ એકત્ર કરીને ચૂંટણી પંચને આ મુદ્દે કાર્યવાહી કરવા માટે દબાણ બનાવશે.અમે ડાંગના તમામ નાગરિકોને આ લોકશાહી બચાવવાની લડતમાં જોડાવા અને પોતાના મતના અધિકારની રક્ષા કરવા માટે આગળ આવવા અપીલ કરીએ છીએ.











