નવીન: લોકસભામાં આવેલા નવા આવકવેરા કાયદામાં સુધારા કરાયા છે, જે મુજબ દરોડા દરમિયાન અધિકારીઓ હવે કરદાતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ચકાસી શકશે. આ માટે પાસવર્ડ માંગવા સહિતની કામગીરીમાં સરળતા રહેશે. અગાઉ કેટલાક કેસમાં અધિકારીઓએ જે માહિતી માંગી હતી તે કોર્ટમાં પડકારવામાં આવી હતી, પરંતુ હવે કાયદામાં આ બાબત આવરી લેવાતા કરદાતાઓ ફિક્સમાં આવી ગયા છે. અનેક કોર્પોરેટ માંધાતા, ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો વિદેશમાં સર્વર ભાડે લઈને તેમાં વિગતો છુપાવતા હોય છે. દુબઇ, હોંગકોંગ અને મોરેશિયસમાં આવા સર્વર ભાડેથી લેવાતા હોય છે.
હવે અધિકારીઓ આવા સર્વરના પાસવર્ડ લઇને તેની પણ ખણખોદ કરી શકશે. સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠ કહે છે કે આ નિયમથી અધિકારીઓને વધારાના પાવર મળશે. પુરાવા એકત્રિત કરવાથી લઇને જે પ્રોસિઝર છે તે પણ મજબૂત બનશે. ઉપરાંત દરોડા દરમિયાન અધિકારીઓ ‘વર્ચ્યુઅલ ડિજિટલ સ્પેશ’ પણ ચકાસી શકશે, જેમાં ઇમેલ સર્વર, સોશિયલ મીડિયા, ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ, બેન્કિંગની વિગતો સ્ટોર કરવા માટે વપરાતી વેબસાઇટ, રિમોટ સર્વર, કલાઉડ સર્વર અને ડિજિટલ એપનો સમાવેશ થાય છે. કાયદાની સેક્શન 261(1) હેઠળ આ ફેરફાર કારયા છે.
સી.એ. પારસ શાર કહે છે, સોશિયલ મીડિયા એકાઉન્ટ અને ખાસ કરીને વોટ્સએપ પર અનેક ધંધાકિયા લેવડદેવડ થતી હોવાની શંકા હતી. આથી જ આ એકાઉન્ટસને પણ તપાસમાં આવરી લેવાયાં છે. સૌથી ચોંકાવનારું નેટ બેન્કિંનું છે તે પણ આવરી લેવાયું છે. ક્યાં અને કયા સોદા થયા તેની ઝીણવટભરી વિગતો હવે અધિકારીઓ પાસે જશે. દરોડા દરમિયાન ઘરના અન્ય સભ્યોનાં સોશિયલ મીડિયા એકાઉન્ટસ ચેક કરવાની સત્તા પણ અધિકારીઓને મળી ગઈ છે.સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરવાની સત્તાની સાથે હવે વિવાદ પણ વકરવાની શક્યતા વધી ગઈ છે. કેમકે તેમાં અનેક લોકો પોતાની અંગત લાઇફને લગતી વિગતો રાખતા હોય છે. પ્રાઇવેટ વિગતો પબ્લિક ન થાય એ રીતે પણ પોસ્ટ કરતા હોય છે. લગ્નેત્તર સંબંધોની પણ જાણ અધિકારીઓને થઈ જાય એવું બની શકે.

