ધરમપુર: ધરમપુરના માલનપાડામાં શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે એક માલવાહક ટ્રકની ક્લીનર સાઈડના પાછળના વ્હિલના દસ બોલ્ટ તૂટી જતા બે વ્હિલ બહાર આવી ગયા હતા.ખરાબ રસ્તાને લઈ ધીમી ગતિ હોવાથી ચાલકે રસ્તાની એક તરફ ટ્રક ઉભી કરી દીધી હતી. બોલ્ટ તૂટી જવાની સાથે બે ટાયરમાં હવા ભરવાની નલકી પણ તૂટી જતા હવા નીકળી ગઈ હતી.
Decision Newsn ને મળેલી માહિતી મુજબ 14 વ્હિલની માલવાહક ટ્રક બેંગ્લોરથી રાજકોટ પેપર રીલ ભરી જઈ રહી હતી. ચોમાસુ અને ખરાબ રસ્તાને લઈ ચાલક ધીમી ગતિએ વાહન હંકારી રહ્યો હતો.આ દરમ્યાન માલનપાડામાંથી પસાર થતી વખતે અચાનક ટ્રકના વ્હિલ નીકળી જતા ચાલકે સમયસૂચકતા દાખવી ટ્રક ઉભી કરી દીધી હતી.
નીચે ઉતરી જોતા ક્લીનર તરફના પાછળના બંને વ્હિલ નીકળી ગયા હોવાનું નિહાળી તપાસ કરતા એક વ્હિલ નજીકમાંથી મળી આવ્યું હતું.જેથી ચાલકે મેકેનિકને બોલાવ્યો હતો. ચાલકના જણાવ્યાં મુજબ ગતિ ધીમી હોવાથી સંભવિત ટ્રક પલટી મારવાની ઘટના ટળી હતી.

