ભરૂચ: ભરૂચ જિલ્લાની 16 શાળાઓને સક્ષમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સારી માળખાકીય સુવિધાઓ આપવા બદલ શાળાને રોકડ રકમ એનાયત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની અધ્યક્ષતામાં કે.જે. ચોકસી હોલ ખાતે એવોર્ડ વિતરણ સમારંભ યોજાયો હતો.
Decision News ને મળેલી માહિતિ મુજબ જિલ્લાની શાળાઓને ગુણવત્તા સુધારવા માટે વિશેષ માર્ગદર્શન પુરૂ પડવામા આવ્યુ હતું. સક્ષમ શાળામાં 4 અને 5 સ્ટાર મેળવેલ શાળાઓમાંથી જિલ્લા કક્ષાની 7 શાળાઓ અને તાલુકા કક્ષાના એવોર્ડ માટે 9 શાળાની પસંદગી થઈ હતી. જિલ્લા કક્ષાની 7 શાળાઓમાં 3 પ્રાથમિક, 3 માધ્યમિક અને એક શહેરી શાળાની પસંદગી કરવામાં આવી હતી. તેવી જ રીતે તાલુકાના એવોર્ડ માટે દરેક તાલુકા દીઠ એક એવોર્ડ-પુરસ્કાર અને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા.
પ્રથમ ક્રમે આવેલ શાળાને 31 હજાર બીજા ક્રમે આવેલ શાળાઓને 21 હજાર અને ત્રીજા ક્રમે આવેલ શાળાને 11 હજાર ના પુરસ્કારની રકમ શાળાની એસએમસીને આપવામાં આવી હતી. એ જ રીતે દરેક તાલુકાની કુલ 9 શાળાઓને રૂપિયા 11 હજાર શાળાની એસએમસીને પુરસ્કાર ચેક સ્વરૂપે આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં ડીઇઓ સ્વાતિબા રાઉલજી, ડીપીઇઓ સચિન શાહ, શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

