ધરમપુર: ધરમપુરની વિરવલની સાર્વજનિક માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો બતાવી વધારાનો વર્ગ ચાલુ રાખવામાં આવી રહ્યાના આક્ષેપોની તા.પં. અપક્ષ સભ્યએ પ્રાંત અધિકારી ધરમપુરને લેખિત રજુઆત કરી કથિત ગેરરીતી તાલુકાની અન્ય શાળામાં પણ થતી હોવાની શંકા સાથે તપાસની માગ કરી છે.
ધરમપુરના વિરવલ વિભાગ કેળવણી મંડળ સંચાલિત ધોરણ-9 થી 12 ની વિરવલ સાર્વજનિક મા. શાળામાં જુના રજિસ્ટરમાં અભ્યાસ છોડી દેનારા અથવા તો બીજી સ્કૂલમાં ગયેલા વિદ્યાર્થીઓના નામ મૂકી સંખ્યા વધારે તથા વધારાના વર્ગો બતાવવામાં આવી રહી હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. એક વર્ગમાં ઓછામાં ઓછાં 24 અને બીજો વર્ગ શરૂ કરવા માટે કુલ 84 વિદ્યાર્થીઓ નિયમ મુજબ હોવા જોઈએ. જેની સામે વધારે વિદ્યાર્થીઓ બતાવવામાં આવ્યા છે.
Decision News ને મળેલી માહિતિ મુજબ શાળામાં હાજર ન રહેલા ધોરણ-10 ના કેટલાક વિદ્યાર્થીઓની હોલ ટિકીટ બોર્ડમાં પરત મોકલી અપાઇ હોવાનો ઉલ્લેખ પણ તા.પં. અપક્ષ સભ્યએ કર્યો છે. તેમજ શાળાનું ઓડિટ પણ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ બાથરુમ સાફ કરવા પડે છે, પાણી, પંખા, લાઈટની સુવિધા પણ બરાબર નથી. આ તમામ આક્ષેપોની યોગ્ય તપાસ કરી આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કાર્યવાહી કરવા માગ કરી છે.

