વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરે ગતરોજ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લીધી. તેમણે અરજદારોની વિવિધ રજૂઆતો સાંભળી હતી. સોળસુંબા વિસ્તારમાં સાંકડા સર્વિસ રોડ અંગે ગામ પંચાયત સભ્ય સંધ્યાબેન અને આગેવાનોએ રજૂઆત કરી.
Decision News ને મળેલી માહિતિ મુજબ ધારાસભ્યએ રજૂ થયેલા ચાર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.તાલુકા વિસ્તારમાં સરકારી જમીન પરના દબાણ અંગે પણ ફરિયાદો મળી. ખાસ કરીને ટોચ મર્યાદામાં સરકારે હસ્તગત કરેલી જમીનના ગેરકાયદેસર ઉપયોગની ફરિયાદો સામે આવી.
મામલતદારે આ અંગે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તાલુકા પંચાયત કચેરીમાં આવાસ યોજનાની કામગીરીની સમીક્ષા કરાઈ. કેટલાક કિસ્સાઓમાં કોન્ટ્રાક્ટર દ્વારા લાભાર્થીઓ પાસેથી નાણાં લેવાની ફરિયાદો મળતાં, ધારાસભ્યએ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું.

