વલસાડ: વલસાડના અબ્રામા વિસ્તારમાં જન્માષ્ટમીના દિવસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મનિષાબેન કલ્પેશભાઇ કુકણાની જમવાનું બનાવવાની બાબતે થયેલા ઝઘડા બાદ હત્યા કરવામાં આવી છે.મનિષાબેન પોતાના પતિના અવસાન બાદ આરોપી ભાવેશભાઇ સોમાભાઇ રાઠોડ સાથે રહેતા હતા. રવિવારે વિસ્તારમાં મટકી ફોડ કાર્યક્રમ બાદ મનીષાબેન અને ભાવેશ રથાઓ ઘર ગયા બાદ જમવાનું બનાવવાની નજીવી બાબતે બંને વચ્ચે ઝગડો થયો હતો. આ ઝગડા દરમિયાન આરોપીએ મનિષાબેનને ઘરમાં લાકડાના ફાટક માર્યા હતા.
મહિલા દોડી ઘરની બહાર ગઈ તો ભાવેશે મનીષાબેનને રોડ પર પછાડીને માર માર્યો હતો. બુમાબુમ સાંભળતા પાડોશીઓ દોડી આવ્યા હતા.સ્થાનિક લોકોએ મનિષાબેનને રસ્તા પર પડેલી જોઈ તેમની મદદે દોડી આવ્યા હતા. આરોપી ભાવેશે સ્થાનિકો પર પથ્થરમારો કરી તેમને ભગાડયા હતા. સ્થાનિકોએ તરત જ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. વલસાડ સીટી પોલીસની ટીમ તાત્કાલિક અબ્રામા વવા ફળીયા ગુજરાતી સ્કૂલ પાસે પહોંચી હતી. મનિષાબેનને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. મનિષાબેનના ચહેરા, હાથ, પગ સહિત શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ જોવા મળી હતી. મૃતકના દીકરાની ફરિયાદના આધારે પોલીસે આરોપી ભાવેશભાઇ રાઠોડ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

