નવસારી: રાજ્ય સરકાર દ્વારા સ્વાતંત્ર પખવાડિયા નિમિત્તે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ હેઠળ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના ઉપક્રમે તા. 14 ઓગસ્ટને ગુરૂવારના રોજ સવારે 9 કલાકે 50 મીટર લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
નવસારીમાં નીકળનારી તિરંગા યાત્રા નવસારી શહેરના ફુવારા સર્કલથી પ્રારંભ થઇ ગોલવાડ ચોક, લક્ષ્મણ હોલ સર્કલ ટાવર, સયાજી લાયબ્રેરી રોડ, જૂનાથાણા સર્કલથી લુન્સીકુઇ સર્કલ પરથી નીકળી સર્કિટ હાઉસ ઝંડા સર્કલ ખાતે ફરશે અને તિરંગા યાત્રાનું સમાપન થશે. આ યાત્રા દેશ ભક્તિ આધારીત ધૂન રજૂ કરવામાં આવશે.
પોલીસ જવાનો અને 50 મીટર લાંબો તિરંગો શહેરીજનોમાં આકર્ષનું કેન્દ્ર બનશે. આ સાથે જ તિરંગા યાત્રા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક વૃંદો દ્વારા વિવિધ સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવશે. આ રેલીમાં શહેરીજનો પણ ભાગ લે તે માટે વહીવટી તંત્ર અને મનપાના અધિકારીઓએ અપીલ કરી છે. આખા શહેરમાં વીજપોલ ઉપર તિરંગા મનપા દ્વારા લગાવાયા છે.

