વાંસદા: વાંસદા મામલતદારે ઉનાઇથી તિરંગા રેલીનો કાર્યક્રમ પતાવી વાંસદા તરફ જઈ રહ્યાં હતા. દરમિયાન રસ્તામાં ટેમ્પો ચાલકને ચાલુ ટેમ્પોએ ચક્કર આવી જતા ટેમ્પો ખાડામાં ઉતરી ગયો હતો. દરમિયાન પોતાની ગાડી ઉભી રાખી બહાર કાઢી હોસ્પિટલ લઈ જતા માનવતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું. વાંસદા તાલુકાના ઉનાઈ ગામે તિરંગા રેલીનો કાર્યક્રમ પતાવીને મામલતદાર એલ.આર.ચૌધરી વાંસદા તરફ આવી રહ્યાં હતા.
એ દરમિયાન ચઢાવ ગામ પાસે છોટા હાથી ટેમ્પો (નં. જીજે-7-ટીયુ-6804)નો ચાલક સચિન ગજેન્દ્રા સાવકરે (ઉ.વ. 34, રહે.નવાપુર)ને ચાલુ ગાડીએ ચક્કર આવતા ટેમ્પો રોડની સાઇડમાં ઉતરી ગયો હતો. અકસ્માતને પગલે લોકો ભેગા થયા હતા. દરમિયાન ત્યાંથી વાંસદા મામલતદાર એલ.આર.ચૌધરી પસાર થઈ રહ્યા હતા. પોતાની ગાડી ઉભી રાખી તપાસ કરતા ખબર પડી કે ચાલકને ચાલુ ગાડીએ ચક્કર આવી જતા ટેમ્પો રોડ નીચે ઉતરી ગયો છે.
મામલતદારે ટેમ્પો ચાલકને લોકોની મદદથી બહાર કાઢી પોતાની સરકારી ગાડીમાં ઉનાઈ પ્રાથમિક કેન્દ્ર ઉપર લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે 108માં વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મામલતદારે હોસ્પિટલ લઈ જઈ સારવાર કરાવી ટેમ્પા ચાલકનો જીવ બચાવી માનવતાનું ઉત્તમ ઉદારહણ પૂરું પાડયું હતું.

