ભરૂચ: ભરૂચ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણાના માર્ગદર્શન હેઠળ વાલિયા ખાતે આવેલી UPL યુનિવર્સિટીમાં ગત તા. 7 ઓગસ્ટના રોજ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનું આયોજન મહિલા પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પીઆઈ પી.આર.વાઘેલાની સૂચના મુજબ કરવામાં આવ્યું હતું.

સેમિનારમાં પીએસઆઈ વી.એ.આહીર દ્વારા વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં વધતી ગુનાહિત ઘટનાઓ અંગે માહિતી આપવામાં આવી. તેમણે સ્વરક્ષણ, જાતીય શોષણ, હેરાનગતિ, છેડતી તેમજ સાયબર ક્રાઇમ જેવા વિષયો પર વિગતવાર માર્ગદર્શન આપ્યું.

કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વિભાગ તરફથી તૈયાર કરાયેલ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. સેમિનાર દરમિયાન ભરૂચ-અંકલેશ્વર શી-ટીમના સભ્યોએ પોતાની કાર્યપદ્ધતિ અંગે માહિતી આપી હતી. આ અવસરે યુનિવર્સિટીના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા.