ચીખલી: ચીખલી પ્રાંત કચેરીમાં જન્મ મરણના દાખલાની નોટિસમાં ગ્રામ પંચાયત કક્ષાએથી રિપોર્ટ આપવામાં વિલંબ કરાતા છ-છ મહિનાઓ સુધી દાખલાઓ ઉપલબ્ધ ન થતા અરજદારોને ધરમધક્કા ખાવાની નોબત આવી છે.જન્મ અને મરણની નોંધણી ન થયેલી હોય, દાખલાઓ ફાટેલા હોય તેવામાં દાખલા માટે અરજદારો દ્વારા પ્રાંત કચેરીમાં અરજી કર્યા બાદ સંબંધિત ગ્રામ પંચાયતના તલાટીને પ્રાંત કચેરી દ્વારા નોટિસ મોકલાવી અભિપ્રાય મંગાતો હોય છે.
અરજદારની અરજી મુજબ તલાટી દ્વારા ફોર્મ નંબર-10 અને 17માં જરૂરી વિગત સાથેનો અભિપ્રાય પ્રાંત કચેરીમાં રજૂ કરાતો હોય છે. તાલુકામાં ગ્રામ પંચાયત કક્ષાએથી અભિપ્રાય આપવામાં વિલંબ કરવામાં આવતો હોવાની અનેક ફરિયાદો ઉઠી છે.વધુમાં ફોર્મ નંબર-10 અને 17માં ભરવામાં આવતી વિગતોમાં પણ ઘણીવાર ભૂલો થતી હોવાના કારણે પણ સમગ્ર કામગીરીમાં વિલંબ થઈ રહ્યો હોવાની પણ માહિતી સાંપડી છે ત્યારે સંબધિત કચેરીના અધિકારીઓ દ્વારા તલાટીઓને આ બાબતે જરૂરી જણાઇ રહ્યું છે.
આમ ગ્રામ પંચાયત કક્ષાએથી સમયસર અભિપ્રાય પ્રાંત કચેરીમાં રજૂ ન કરાતા 6-6 મહિના સુધી જન્મ મરણના દાખલા ન મળતા અરજદારોઓએ ધક્કા ખાવાની નોબત આવી છે. દાખલાના અભાવે અરજદારોના કામો પણ અટવાતા રોષ ફેલાયો છે. પ્રાંત અધિકારી દ્વારા ગંભીરતા દાખવી જન્મ મરણના દાખલામાં લોકોને ધક્કા ખાવા ન પડે અને સમયસર દાખલાઓ ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરાય તે જરૂરી છે. મારી દિકરીના જન્મના દાખલ માટે પ્રાંત કચેરીમાં જાન્યુઆરી મહિનામાં અરજી કરી હતી પરંતુ હજુ સુધી દાખલો મળ્યો નથી. ગ્રામ પંચાયત કક્ષાએથી અભિપ્રાય મોકલવામાં વિલંબ કરાતા આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હોય તેમ લાગી રહ્યું છે. તંત્ર દ્વારા લોકોને ધક્કા ખાવા ન પડે તે માટે સમય મર્યાદામાં દાખલાઓ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

