ભરૂચ: ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પગાર વિલંબના કારણે હડતાળ ઉપર ઉતરી જતાં શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જામ્યું હતું. ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાના તમામ સફાઈ કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી પગાર ન મળતા ગુસ્સે ભરાયા છે. જેઓએ કામ બંધ કરી નગરપાલિકા ગેટ બહાર હડતાળ પર બેસી ગયા હતા.

રક્ષાબંધન જેવો મહત્વનો તહેવાર નજીક છે, પણ પગાર ન મળતા કર્મચારીઓએ તાત્કાલિક પગાર ચૂકવવાની માંગ સાથે આંદોલન કર્યું છે. વધુમાં કર્મચારીઓએ પાલિકા પ્રમુખ જલ્પા પટેલનો તેમના કચેરી ખાતે ઘેરાવ કર્યો હતો, અને પડતર પગાર અંગે રોષ વ્યક્ત કર્યો હતો. પરંતુ કોઈ જ નિરાકરણ ન મળતા તમામ સફાઈ કર્મચારીઓએ સફાઈ કાર્ય બંધ કરી હડતાળનો રસ્તો પકડયો હતો.

બીજી તરફ, હડતાળના કારણે સમગ્ર આમોદ નગરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા. જેમાં મુખ્ય રસ્તાઓ, બજાર વિસ્તારમાં લારીઓ અને દુકાનો આગળ કચરો ભરાય જતાં નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા હતા. આ મામલે આમોદ નગર પાલિકા પ્રમુખ જલ્પા પટેલે જાહેરાત કરી હતી કે, “2 થી 3 દિવસમાં કર્મચારીઓને પગાર ચુકવી દેવામાં આવશે,” તેમ છતા હાલની સ્થિતી તો શહેરમાં સ્વચ્છતા સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ છે. નાગરિકો પણ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, અને તાત્કાલિક સ્થિતિ સુધારવા માંગણી કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here