ડાંગ: ડાંગ જિલ્લામા 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણી સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન છે. ડાંગ કલેકટર શાલિની દુહાનના માર્ગદર્શન અને અધ્યક્ષપદે મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી દ્વારા રાજ્ય સમસ્તની જેમ રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક, અને શારીરિક રીતે સંપન્ન થાય તથા તેઓ સમાજમા ગૌરવભેર આગળ વધે તે માટે વિવિધ કાર્યક્રમોનુ આયોજન હાથ ધરાયું છે.
નારીઓના સર્વાગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ, અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ ‘‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણી કરાઇ રહી છે.1 ઓગસ્ટ શુક્રવારના રોજ “મહિલા સુરક્ષા દિવસ’, 2 ઓગસ્ટે “બેટી બચાવો બેટી પઢાવો’ કરાઇ. 4 ઓગસ્ટે “મહિલા સ્વાવલંબન દિવસ’, 5 ઓગસ્ટે “મહિલા નેતૃત્વ દિવસ’, 6 ઓગસ્ટે “મહિલા કર્મયોગી દિવસ’, 7 ઓગસ્ટે ‘મહિલા કલ્યાણ દિવસ’ અને 8 ઓગેસ્ટે “મહિલા અને બાળ કલ્યાણ દિવસ’ની ઉજવણી કરાશે.કાર્યક્રમના સુચારુ આયોજન અને અમલીકરણ અર્થે જિલ્લા કલેકટર દ્વારા વિવિધ કચેરીઓના સંબંધિત અધિકારીઓને ફરજ નિયુક્ત કરાયા છે.
આ ઉત્સવમા પોલીસ, શિક્ષણ, જિલ્લા/તાલુકા કાનુની સેવા સત્તા મંડળ, સુરક્ષા સેતુ ટીમ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, વિવિધ બેંક, રોજગાર અને તાલીમ વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, શ્રમ અને રોજગાર, સમાજ કલ્યાણ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, કૃષિ અને પશુપાલન, બાળ સુરક્ષા એકમ જેવા વિભાગો સહભાગી બનશે તેમ ડાંગ મહિલા અને બાળ અધિકારી દ્વારા જણાવાયુ છે.

