એકતાનગર: 31 જુલાઈ 2025: વિશ્વ માનવ દૂર વ્યાપાર વિરોધી દિવસ નિમિત્તે ગ્રામ વિકાસ ટ્રસ્ટ, જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રન્સ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા એકતાનગર રેલ્વે સ્ટેશન ખાતે 15 જુલાઈથી 30 જુલાઈ 2025 દરમિયાન એક સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રેલ્વે પોલીસ ફોર્સના પોલીસ ઇન્સ્પેક્ટર, સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ માનવ તસ્કરી અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન માનવ તસ્કરી શું છે, બાળકો સાથે થતી હેરાફેરી, યૌન શોષણ, બાળમજૂરી, ભિક્ષાવૃત્તિ જેવી ગંભીર સમસ્યાઓ અને તેના દ્વારા થતી આવકની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. આ ઉપરાંત, બાળકોને આવી પ્રવૃત્તિઓમાંથી મુક્ત કરાવવા માટે કઈ સંસ્થાઓની મદદ લઈ શકાય અને હેલ્પલાઇન નંબર વિશે પણ જાણકારી આપવામાં આવી.
ડ્રાઇવ દરમિયાન એકતાનગર રેલ્વે સ્ટેશન પર માનવ તસ્કરી વિરુદ્ધ જાગૃતિ ફેલાવતાં પોસ્ટર્સ અને બેનર્સ લગાવવામાં આવ્યા હતા. આ સાથે, માનવ તસ્કરીનો સંદેશ આપતી ઓડિયો ક્લિપ્સ પણ સમયાંતરે ચલાવવામાં આવી, જેથી લોકોમાં આ મુદ્દે વધુ જાગૃતિ આવે. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં માનવ તસ્કરીની સમસ્યા સામે લડવા અને ખાસ કરીને બાળકોના રક્ષણ માટે સમુદાયને જાગૃત કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો.

