નવસારી: ખેરગામમાં એક દુકાન ઉપર યુરીયા ખાતરનું વિતરણ શરૂ થતા ખેડૂતોએ આજે સવારથી ખાતર મેળવવા દુકાન ઉપર દોટ લગાવી હતી પરંતુ ખેડૂતોનો ધસારો જોઈને દુકાનદારે 200 જેટલા ખેડૂતોને ટોકન નંબર આપી ખેડૂતોને એક એક બેગ યુરીયા ખાતરનું વિતરણ કર્યું હતું. જોકે ઘણાં ખેડૂતને વધુ બેગ ખાતરની જરૂર હોય પરંતુ એક બેગથી જ સંતોષ માનવો પડ્યો હતો.જોકે 200 ટોકન નંબરની બાદમાં આવેલા ખેડૂતોને તો એક બેગ પણ નસીબ થઈ ન હતી. ખેરગામ તાલુકામાં ડાંગરની રોપણી કરતા ખેડૂતોએ ખેતરોમાં રોપણી ઘણાં દિવસથી પૂરી કરી દીધી હોય હાલમાં ફોસ્ફેટિક અને યુરીયા ખાતર ખેતરમાં નાંખવાની ખૂબ જરૂર હોય એવા સમયે ખાતરની અછતના કારણે ખેડૂતોએ છેલ્લા ઘણાં દિવસથી હાલાકી વેઠવી પડી રહી છે.

ખેરગામમાં એક દુકાનમાં ખાતરનું વિતરણ શરૂ થતા સવારથી જ દુકાન બહાર ખેડૂતો ખાતર લેવા પડાપડી કરી હતી. જેમાં દુકાનદાર દ્વારા ખાતરનો જથ્થો મર્યાદિત હોવાથી થોડું થોડું ખાતર બધાને મળી રહે એ માટે ખેડૂતોને ટોકન નંબર અપાયા હતા. તે મુજબ બધા ખેડૂતોને યુરિયાની એક એક બેગ ખાતરનું વિતરણ કરાયું હતું.ખાતરની જરૂરિયાત વધારે હોય ત્યારે ખેડૂતોએ એક બેગ ખાતર લઈને સંતોષ માનવો પડ્યો હતો.ખેરગામ શામળા ફળિયામાં રહેતા એક ખેડૂત આજે સવારથી ટોકન લઈ ખાતર લેવા પોતાનો નંબર આવશે એની રાહ જોઈ રહ્યાં હતા. તેમણે જણાવ્યું કે મારે ખેતરમાં આશરે 9 ખાતરની બેગની જરૂર છે, જેમાં આજે બધા ખેડૂતોને એક એક બેગ ખાતર અપાઇ રહ્યું છે.સરકાર દ્વારા સબસિડીરાઈઝડ ખાતર આપી ખેડૂતોને લાભ અપાય છે પરંતુ આ લાભ લેવા ખેડૂતોએ કેટલી હાલાકી વેઠવી પડે છે.

ખાતરનો પૂરતો જથ્થો મળતો નથી. 5 બેગ ખાતર જોઈતું હોય એની જગ્યાએ એક બેગ મળે છે. જેથી ખેડૂતોની જરૂરિયાત સંતોષાતી નથી.સરકાર દ્વારા પૂરતો જથ્થો પહોંચાડી ખેડૂતોને જોઈએ એટલું ખાતર સરળતાથી મળી રહે એવી વ્યવસ્થા થાય અને ખેડૂતોને લાભ મળે એવી લાગણી ખેડૂતોમાં પ્રવર્તી રહી છે.ખેરગામના એક એગ્રો સેન્ટરના સંચાલકે જણાવ્યું હતું કે ડાંગરના પાક માટે સરકાર દ્વારા અપાતા સબસિડીરાઇઝ્ડ યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ન મળતા ખેડૂતોને મુશ્કેલી થઈ રહી છે. દરરોજ ખેડૂતો દુકાને ખાતર આવ્યું કે નહીં એવી ઇન્કાવાયરી કરવા આવે છે અને દરરોજ અમારે ના પાડવી પડે છે. આમ દરરોજ 200-300 ખેડૂતો પૂછીને જતા હોય છે.